નિયમો સામાન્ય નાગરિક માટે, નેતાઓ માટે નહીં?, ભાજપ ધારાસભ્યની પૌત્રીના લગ્નમાં 6000 લોકો જોડાયા

01 December 2020 06:20 PM
Rajkot
  • નિયમો સામાન્ય નાગરિક માટે, નેતાઓ માટે નહીં?, ભાજપ ધારાસભ્યની પૌત્રીના લગ્નમાં 6000 લોકો જોડાયા

રાત્રી દરમિયાન લગ્નપ્રસંગ યોજવા પર પ્રતિબંધ હોવા છતાં એમએલએ કાંતિ ગામિતની પૌત્રીના લગ્ન સમારોહ રાતે થયું: ભારે વિવાદ : લગ્ન સમારોહમાં માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્સના નિયમના ધજાગરા ઉડયા

રાજકોટ તા.1
નેતાઓ અવાર-નવાર કોરોના ગાઈડ લાઈનનું પાલન કરવા સામાન્ય નાગરિકોને અપીલ કરતા જોવા મળે છે. જો કે, આ મહામારીમાં નેતાઓએ નિયમોનો ઉલાળ્યો કર્યાના અનેક કિસ્સા જોવા મળ્યા છે ત્યારે ભાજપના એક ધારાસભ્યની પૌત્રીના લગ્નમાં 6000 જેટલા લોકો જોડાયા હોવાનો કિસ્સો સામે આવતા ભારે વિવાદ સર્જાયો છે.
મળતી વિગત મુજબ તાપી જિલ્લાના ભાજપના ધારાસભ્ય કાંતિ ગામિતની પૌત્રીનો લગ્ન સમારોહ યોજાયો હતો જેમાં આશરે 6000 જેટલા લોકો ભેગા થયા હતા. સમારંભ દરમિયાન લોકો સોશ્યલ ડિસ્ટન્સ ભુલ્યા હતા તો બીજી તરફ સામાન્ય નાગરિકોને દંડ ફટકારતી પોલીસ પણ અહી પોતાની ફરજ ભુલી ગઈ હતી. પ્રસંગમાં અનેક લોકો માસ્ક વગર જોવા મળ્યા હતા.
સામે આવેલી વિગત મુજબ સરકારે કોરોનાની બીજી લહેરને ધ્યાને રાખી રાજકોટ, અમદાવાદ, સુરત અને વડોદરામાં રાત્રી કર્ફયુ લાદી દીધો છે અને રાત્રી દરમિયાન કોઈપણ પ્રસંગ સમારોહ ન યોજવા આદેશ આપ્યો છે. જો કે, ભાજપ ધારાસભ્યની પૌત્રીના લગ્નનો સમારોહ રાત્રી દરમિયાન યોજાયો હતો. હવે આ વાતને લઈ વિપક્ષે રાજયની ભાજપ શાસીત રૂપાણી સરકારને ઘેરવા પ્રયાસો શરૂ થયા છે.


Related News

Loading...
Advertisement