ગાંધીનગર, તા. 1
ઉત્તર પ્રદેશમાં વધી રહેલી ‘લવ જેહાદ’ની ઘટનાઓને રોકવા માટે રાજ્યની યોગી આદિત્યનાથની સરકારે વટહુકમ પાસ કરી દીધો છે. 24 નવેમ્બરના રોજ યોજાયેલી કેબિનેટની બેઠકમાં વટહુકમ પાસ કરવામાં આવ્યો છે. હવે આ કાયદાને લઈને વિવાદનો મધપૂડો છેડાયો છે. ગુજરાતમાં પણ લવ જેહાદનો કાયદો બનાવવાની માંગ ઉઠી છે. ભાજપના જ દિગ્ગજ નેતા અને ધારાસભ્ય દ્વારા રાજ્યમાં આ કાયદો બનાવવાની માંગ કરી છે.
ડભોઈના ભાજપ ધારાસભ્ય શૈલેષ મહેતાએ જણાવ્યું કે, ગુજરાતમાં લવ જેહાદનો કાયદો બનવો જોઈએ. અમે સરકારને રજૂઆત કરીશું. રાજ્યમાં લવ જેહાદના મામલાઓ વધ્યા છે. ઉત્તર પ્રદેશની જેમ રાજ્ય સરકાર પણ કાયદો લાવશે, તેમ તેમણે ઉમેર્યું હતું. ઉલ્લેખનીય છે કે યૂપી સરકારના મંત્રી સિદ્ધાર્થનાથ સિંહે કહ્યું કે, વટહૂકમમાં ધર્મ પરિવર્તન માટે 15,000 રૂપિયાના દંડની સાથે 1થી 5 વર્ષની જેલની સજાની જોગવાઈ છે. જો એસસી-એસટી સમુદાયની નાબાલિગ અને મહિલાઓ સાથે થાય છે તો 25,000 રૂપિયાનો દંડ અને 3-10 વર્ષની સજાની જોગવાઈ હશે.