ધો.10-12ની પરીક્ષાના જાન્યુઆરીમાં ભરાશે ફોર્મ, મેમાં વિદ્યાર્થીઓની શૈક્ષણિક ભાવીની કસોટી

01 December 2020 06:16 PM
Ahmedabad Education Gujarat
  • ધો.10-12ની પરીક્ષાના જાન્યુઆરીમાં ભરાશે ફોર્મ, મેમાં વિદ્યાર્થીઓની શૈક્ષણિક ભાવીની કસોટી

કોરોના વાયરસના કહેરના પગલે શિક્ષણ બોર્ડની કામગીરીમાં વિલંબ

ગુજરાતમાં કોરોના કહેરના પગલે ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા મે મહિનામાં લેવાનાર છે, ત્યારે માધ્યમિક શિક્ષણ બોર્ડના ઓનલાઈન પરીક્ષા ફોર્મ જાન્યુઆરીમાં ભરાવવામાં આવનાર છે. સામાન્ય સંજોગોમાં નવેમ્બરમાં પરીક્ષાના આ ફોર્મ ભરાવવામાં આવે છે.

માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા દર વર્ષે માર્ચમાં ધો.10 અને ધો.12ની પરીક્ષા લેવામાં આવે છે અને આ પરીક્ષા માટે ચાર માસ પહેલાં, એટલે કે નવેમ્બરમાં ઓનલાઈન ફોર્મ ભરવાની કામગીરી શરૂ કરવામાં આવે છે. લગભગ દોઢ માસ જેટલા સમયગાળામાં બોર્ડની ઓનલાઈન ફોર્મ ભરવાની કામગીરી પૂર્ણ થયા બાદ બોર્ડ દ્વારા પરીક્ષા માટેની આગળની તૈયારી કરવામાં આવે છે. જોકે આ વખતે કોરોનાને કારણે બોર્ડની વિવિધ કામગીરીઓ પણ પાછળ લઈ જવી પડી છે.

અહીં એ પણ ઉલ્લેખનીય છે કે માર્ચ 2020માં કોરોનાના આગમન બાદ અત્યાર રાજયની તમામ શાળાઓ માત્ર ઓનલાઈન શિક્ષણ જ આપી રહી છે. આ સ્થિતિ આગામી દિવસોમાં પણ યથાવત્ રહેવા પામી તો અન્ય ધોરણોમાં તો માસ પ્રમોશન કે અન્ય કોઈપણ રીતે બાળકોને પાસ કરીને આગળના ધોરણમાં લઈ જવામાં આવી શકે છે, પરંતુ ધો.10 અને ધો.12ના વિદ્યાર્થીઓની પરીક્ષા લેવી પડે

તેમ હોવાથી રાજ્યના શિક્ષણમંત્રીએ તાજેતરમાં જ બોર્ડની પરીક્ષા કોરોનાને પગલે મે 2021માં યોજાશે તેવી જાહેરાત કરી હતી. શિક્ષણ બોર્ડ દ્વારા જાન્યુઆરી માસમાં પરીક્ષા ફોર્મની કામગીરી શરૂ થયા બાદ તે ફેબ્રુઆરી અંત સુધીમાં પૂર્ણ થયા બાદ પણ બોર્ડને બે માસ જેટલો સમય તૈયારી માટેનો મળી રહેશે, જેથી મે માસમાં બોર્ડ યોગ્ય રીતે પરીક્ષા લઈ શકશે.


Related News

Loading...
Advertisement