બિહારના સીવાનમાં પતિએ પત્ની અને પાંચ બાળકોને કુહાડીથી કાપી નાખ્યા: ચારના મોત

01 December 2020 06:11 PM
India Crime
  • બિહારના સીવાનમાં પતિએ પત્ની અને પાંચ બાળકોને કુહાડીથી કાપી નાખ્યા: ચારના મોત

નવાદા જિલ્લામાં નિવૃત્ત પોલીસ કર્મીએ પત્ની અને બે બાળકોને ક્રૂર રીતે મોતને ઘાટ ઉતાર્યા: સનસનાટીભરી બન્ને ઘટનાને અંજામ આપવાનું કારણ હજુ અકબંધ

નવીદિલ્હી, તા.1
બિહારના સીવાન જિલ્લામાં એક હચમચાવી નાખતી ઘટના પ્રકાશમાં આવી છે. ભગવાનપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં અડધી રાત્રે એક આધેડે પોતાની પત્ની અને પાંચ બાળકોને સૂતેલી હાલતમાં કુહાડીથી કાપી નાખ્યા હતા. આ ઘટનામાં તેના ચાર બાળકોના મોત થયા છે જેમાં ત્રણ પુત્ર અને એક પુત્રી સમાવિષ્ટ છે.


બે પુત્રો અને એક પુત્રીનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. જ્યારે ઘાયલ પત્ની, એક પુત્ર અને એક પુત્રીને પટણા હોસ્પિટલે ખસેડવામાં આવ્યા છે. સારવાર માટે લઈ જતી વેળાએ ઘાયલ એક પુત્રનું પણ મોત નિપજ્યું હતું. જ્યારે ઘાયલ પત્ની અને એક પુત્રીની ગંભીર હાલતને ધ્યાનમાં રાખી સઘન સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયા છે. આ હિચકારા કૃત્યને અંજામ આપ્યા બાદ આરોપી પિતાએ પણ ઝેર ખાઈને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જો કે તે બચી જતાં તેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયો છે. ઘટનાની જાણ થતાંની સાથે જ પોલીસ ઘટનાસ્થલે દોડી ગઈ હતી. આ ઘટના બન્યાના એક દિવસ પહેલાં બિહારના નવાદા જિલ્લામાં એક નિવૃત્ત પોલીસ કર્મીએ પત્ની અને બે બાળકોની હત્યા કરી નાખી હતી. આ ઘટના રજૌલી પોલીસ સ્ટેશન વિસ્તારના પ્રાણચક ગામના વિનોબાનગરમાં બની હતી. મૃતકોમાં પોલીસ કર્મીની 45 વર્ષીય પત્ની લાછોદેવી, 13 વર્ષીય પુત્ર રાજીવકુમાર અને 10 વર્ષીય પુત્ર રાજકુમાર સામેલ છે. ત્રણેયના મૃતદેહને વિનોબાનગરમાં આરોપીના ઘરના પલંગ નીચેથી મળી આવી હતી. ત્રણેયને ગળેફાંસો આપીને મોતને ઘાટ ઉતારવામાં આવ્યો હતો. આ બન્ને બનાવમાં હત્યા કરવા પાછળનું કારણ બહાર આવ્યું નથી.


Related News

Loading...
Advertisement