નવીદિલ્હી, તા.1
ચીનના વિદેશ મંત્રાલયે અફઘાનિસ્તાનમાં ઓસ્ટ્રેલિયા દ્વારા યુદ્ધ અપરાધની કોમ્પ્યુટરથી બનાવવામાં આવેલી તસવીર સોશ્યલ મીડિયા ઉપર પોસ્ટ કરી દીધી હતી. આ હરકત બાદ આગબબૂલા થઈ ગયેલા ઓસ્ટ્રેલિયાએ ચીની સરકારને બેશરમ ગણાવતાં માફી માંગવાની માંગણી કરી છે. આ ઘટનાને કારણે બન્ને દેશો વચ્ચે પહેલાંથી જ પ્રવર્તી રહેલા તણાવમાં વધારો થવાની આશંકા છે.
ચીની વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઝાઓ લિજિયાને આ તસવીર ટવીટ પર પોસ્ટ કરી હતી. આ તસવીરમાં ખોળામાં બકરીનું બચ્ચું બેસાડ્યું હોય તેવું એક બાળક દેખાઈ રહ્યું છે જેને ઓસ્ટ્રેલિયાઈ સૈનિકે પકડી રાખ્યું છે અને તેની ગરદન ચાકુથી કાપી રહ્યો છે. તસવીરની પૃષ્ઠભૂમિમાં ઓસ્ટ્રેલિયાનો ઝંડો ફેલાવીને લગાવવામાં આવ્યો છે. આ પછી સંદેશમાં લખાયું છે કે ડરો નહીં, અમે તમને અમન આપવા આવી રહ્યા છીએ.
લિજિયાને પોસ્ટ સાથે લખ્યું કે ઓસ્ટ્રેલિયાઈ સૈનિકોના હાથે અફઘાન નાગરિકો અને કેદીઓની હત્યાથી હું હતપ્રભ છું. આ ઘટનાની હું નિંદા કરું છું અને ઓસ્ટ્રેલિયાને આ માટે જવાબદાર ગણવું જોઈએ. સામાન્ય રીતે લિજિયાનની પોસ્ટને હજાર લોકો પણ રિ-ટવીટ નથી કરતાં પરંતુ બપોર સુધીમાં અંદાજે 18 હજાર લોકોએ રિ-ટવીટ કર્યું છે. આ તસવીર ચીની પ્રોપગેન્ડા આર્ટિસ્ટ વુહેક્લિને કોમ્પ્યુટર ઉપર તૈયાર કરી છે. આ પહેલાં તે હોંગકોંગના આંદોલનકારીઓ વિરુદ્ધ પણ આવી અનેક તસવીરો બનાવી ચૂક્યું છે.
સોશ્યલ મીડિયા પર આ ચીની યુદ્ધનીતિનો જોરદાર વિરોધ કરતાં વડાપ્રધાન સ્કોટ મોરિસને કહ્યું કે ચીની સરકારને આ પોસ્ટ પર શરમ આવવી જોઈએ. આવું કરવાથી વિશ્ર્વની નજરોમાં ચીનની છબી ખરડાઈ રહી છે. તસવીરને કારણે દરેક ઓસ્ટ્રેલિયનનો ગુસ્સો ફૂટીને સાતમા આસમાને છે. ચીને આવી હરકત કરવા બદલ માફી માંગવી જોઈએ.