નવી દિલ્હી, તા. 1
કૃષિ કાયદા સામેના ખેડુતોના ઉગ્ર આંદોલનના છઠ્ઠા દિવસે ભાજપ સરકાર ભેખડે ભરાઇ ગઇ છે ત્યારે તેની ઉપાધીમાં હવે અકાલી દળ બાદ હવે અન્ય સાથી પક્ષ આરએલપીએ નવો કૃષિ કાયદો સરકાર પાછો નહીં ખેંચે તો છેડો ફાડવાની ધમકી આપી છે.
આરએલપીના વડા અને રાજસ્થાનના સાંસદ હનુમાન બેનીવાલે ગૃહ પ્રધાન અમિત શાહને ટેગ કરીને ટ્વીટ કરીને જાહેરમાં માગણી કરી છે કે તાત્કાલીક ધોરણે નવા કૃષિ કાયદાઓને પરત લેવામાં આવે. બેનીવાલે સાથે સરકારને વિનંતી કરી છે કે તાત્કાલીક ધોરણે ખેડૂતોની સાથે વાતચીત કરવામાં આવે. હાલ દિલ્હીમાં ખેડૂતોનું વિરોધ પ્રદર્શન ઉગ્ર બનતું જાય છે એવામાં કેન્દ્ર સરકાર પણ ભીસમાં આવી રહી હોય તેમ મંત્રીઓ દ્વારા ફરી એક વખત બેઠક બોલાવવામાં આવી છે.
બેનીવાલે ટવીટ કરીને કહ્યું કે મિસ્ટર અમિત શાહ, હાલ સમગ્ર દેશમાં ખેડૂતો નવા કૃષિ કાયદાથી નારાજ છે, એવામાં ખેડૂતોની લાગણી અને માગણીઓને ધ્યાનમાં રાખીને સરકારે તાત્કાલીક ધોરણે આ ત્રણેય કૃષિ કાયદાઓને પરત લઇ લેવા જોઇએ અને તેનો અમલ અટકાવી દેવો જોઇએ. એટલુ જ નહીં બેનીવાલે માગણી કરી છે કે તાત્કાલીક ધોરણે સ્વામીનાથન કમિશનની જે પણ ભલામણો કૃષિ અને ખેડૂતોને લઇને કરવામાં આવી છે તેનો અમલ કરવામાં આવે. વધુમાં બેનીવાલે કહ્યું છે કે આરએલપી એનડીએ સાથે જોડાયેલું છે પણ તેની તાકાત જવાનો અને ખેડૂતોથી આવે છે.