નવીદિલ્હી
સુપ્રીમ કોર્ટમાં આજે વીડિયો કોન્ફરન્સ દ્વારા એક કેસની સુનાવણી ચાલી રહી હતી. આ દરમિયાન એક શખ્સ શર્ટ પહેર્યા વગર જ સ્ક્રીન સામે આવી જતાં કોર્ટ નારાજ થઈ હતી. પહેલાં પણ આ પ્રકારના અનેક મામલા સામે આવી ચૂક્યા છે. તાજેતરમાં એક કેસની સુનાવણી દરમિયાન મહિલા વકીલે પોતાના ચહેરા ઉપર ફેસપેક લગાવી રાખ્યું હતું જેથી જજ નારાજ થયા હતા. જસ્ટિસ એલ.નાગેશ્ર્વર રાવ અને હેમંત ગુપ્તાની બેન્ચે કહ્યું કે સાતથી આઠ મહિનાથી વીડિયો કોન્ફરન્સ દ્વારા સુનાવણીનું કામ ચાલી રહ્યું છે આમ છતાં અનેક વખત આવું બની ચૂક્યું છે જે બિલકુલ વ્યાજબી નથી.
કોવિડ-19 મહામારીને કારણે સુપ્રીમ કોર્ટે પોતાની કાર્યવાહી ઉપર રોક લગાવી રાખી છે અને અત્યારે વીડિયો કોન્ફરન્સ દ્વારા કેસની સુનાવણી કરવામાં આવી રહી છે. આ પહેલાં 26 ઓક્ટોબરે એક કેસ સામે આવ્યો હતો. એ વખતે મામલાની સુનાવણી જસ્ટિસ ડી.વાય.ચંદ્રચૂડ કરી રહ્યા હતા અને એક એડવોકેટ શર્ટ વગર જ સ્ક્રીન પર નજરે પડ્યા હતા. આ પછી ચંદ્રચૂડે કહ્યું હતું કે હું કોઈ સાથે આકરું વલણ રાખવાનું પસંદ નથી કરતો પરંતુ તમારે એ પણ યાદ રાખવું જોઈએ કે તમે સ્ક્રીન પર છો. દરમિયાન જૂનમાં સુનાવણી દરમિયાન વીડિયો કોન્ફરન્સમાં સ્ક્રીન પર ટી-શર્ટ પહેરેલા એક વકીલ પોતાના પલંગ પર સૂતેલા જોવા મળ્યા હતા ! આ જોઈને જજે નારાજગી વ્યક્ત કરતાં કહ્યું હતું કે સુનાવણી દરમિયાન અદાલતની ગરિમા અને શિષ્ટાચારનું ગંભીરપણે પાલન થવું જોઈએ.
આ પછી સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો હતો કે વીડિયો કોન્ફરન્સ દ્વારા સુનાવણી દરમિયાન વકીલોએ અયોગ્ય રીતે આવવું નહીં અને જો આવે તો અત્યંત શિસ્તમાં આવવાનું રહેશે. આ વર્ષે એપ્રિલમાં રાજસ્થાન હાઈકોર્ટ વિવાદમાં આવી ગઈ હતી