રાજકોટ, તા.1
સૌરાષ્ટ્ર યુનિ.ના આઠ ભવનમાં કરાર આધારિત 14 અધ્યાપકોની ભરતી કરવા માટે કવાયત શરૂ કરી દેવામાં આવી છે જેમાં લાયકાત ધરાવતા ઉમેદવારોની પસંદગી કરવા માટે આજથી ત્રણ દિવસ ઉમેદવારોના વોક ઇન ઇન્ટરવ્યુ લેવાનું શરૂ કરાયેલ છે.
જેમાં આજે સવારના પત્રકારિત્વ કાયદા અને કોમર્સ ભવનની 1-1-1 તેમજ ફીઝીકલ એજ્યુકેશનની બે ગ્યા માટે લાયકાત ધરાવતા ઉમેદવારોના ઇન્ટરવ્યુ લેવામાં આવેલ હતા જેમાં પત્રકારિત્વ ભવનની 1 ખાલી જગ્યા માટે બે ઉમેદવાર હાજર રહેતા તેના ઇન્ટરવ્યુ લેવામાં આવેલ હતાં.જ્યારે ગણિત ભવનની અધ્યાપકની 3 જગ્યા સામે સાંજે 4 વાગ્યે વોક ઇન ઇન્ટરવ્યુ આયોજિત કરાયેલ છે જ્યારે આવતીકાલે તા.2ના બપોરના 11 વાગ્યે લાયબ્રેરી એન્ડ ઇન્ફોર્મેશન સાયન્સની 1 જગ્યા તેમજ સાંજે 4 વાગ્યે બાયોટેકનોલોજી ભવનના 2 કરાર આધારિત અધ્યાપકો પસંદ કરવા ઇન્ટરવ્યુ યોજાશે. જ્યારે તા.3ના બપોરના 11 વાગ્યે એમ.એસ.ડબલ્યુ. ભવનના 3 કરાર આધારિત અધ્યાપકો પસંદ કરવા ઉમેદવારોના ઇન્ટરવ્યુ આયોજીત કરાયેલ છે.
અહીં એ ઉલ્લેખનીય છે કે અગાઉ યુનિ.ના 5 ભવનો માટે પીએડી નેટ સ્લેટ જેવી લાયકાત વગરના નવ ઉમેદવારો પસંદ કરાતા આ ભરતી પ્રક્રિયા વિવાદી બન્યા બાદ આ અધ્યાપકોના ઓર્ડર રદ કરાયા હતા. હવે નવેસરથી આઠ ભવનો માટે આ કરાર આધારિત અધ્યાપકોની ભરતી કરવા કાર્યવાહી હાથ ધરાયેલ છે. આ ભવનો માટે કરાર આધારિત અધ્યાપકોની પસંદગી બાદ ઉમેદવારોના લીસ્ટ સિન્ડીકેટની મંજુરી માટે મુકાશે.