નવીદિલ્હી, તા.1
કોરોના વાયરસની રક્ષણ આપતી વેક્સિન આવવામાં હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. સરકારે તેને લઈને પોતાની યોજનાને અંતિમ રૂપ આપવાનું શરૂ કરી દીધું છે. યોજના અનુસાર સરકાર દેશવાસીઓને કરવામાં આવનારા વેક્સિનેશન પાછળ 20 હજાર કરોડ રૂપિયાનો ખર્ચ કરશે. વડાપ્રધાન કાર્યાલય સુધી પહોંચી ગયેલી આ યોજના અનુસાર દરેક વ્યક્તિ ઉપર સરકાર અંદાજે 400 રૂપિયાનો ખર્ચ કરશે જેમાં ટીકાના બન્ને ખોરાકની કિંમત સામેલ થઈ જશે.
જો કે આ કિંમત સરકારના નિયંત્રણની કારણે ઓછી છે. જો ટીકા બજારમાં સીધી રીતે ઉપલબ્ધ થાય છે તો તેની કિંમત વધુ પણ હોઈ શકે છે. રાષ્ટ્રીય ટાસ્ક ફોર્સના જણાવ્યા પ્રમાણે કોરોનાના એક ટીકા માટે સરકાર 210 રૂપિયા સુધીનો ખર્ચ કરી રહી છે. મતદાન કેન્દ્રોની જેમ દેશભરમાં વેક્સિનેશન કરવા માટે કેન્દ્ર બનાવવામાં આવશે. સ્કૂલ, હોસ્પિટલ, પંચાયત કાર્યાલય વગેરે જગ્યાઓ ઉપર આ કેન્દ્ર બનશે. દેશના તમામ રાજ્યોને ટીકા સમાન અધિકાર હેઠળ અપાશે.
સૌથી પહેલાં કોરોનાના ટીકા દેશના 30 કરોડ લોકોને મુકાશે. જાન્યુઆરી-2021થી ટીકાના ભંડારણનું કામ પણ શરૂ થઈ જશે. આ માટે સ્વાસ્થ્ય મંત્રાલય, આઈસીએમઆર, ડ્રગ કંટ્રોલર ઓફ ઈન્ડિયા સહિત તમામ વિભાગોએ તૈયારી પૂર્ણ કરી લીધી છે. એક અધિકારીએ જણાવ્યું કે સરકારી અને ખાનગી ડોક્ટરોને આ અભિયાનની વિશેષ જવાબદારી સોંપવામાં આવશે. સાથે જ જન ભાગીદારીના પ્રયાસ સાથે સાથે તેને જરૂરી તાલીમ પણ આપવામાં આવશે.
સ્વાસ્થ્ય મંત્રાલયના એક અધિકારીના જણાવ્યા અનુસાર અત્યારે એ વિચારણા ચાલી રહી છે કે 600 રૂપિયાથી વધુ કિંમતે વેક્સિન બજારમાં વેચવામાં આવશે નહીં. વેક્સિન જો બજારમાં ઉપલબ્ધ હોય છે તો સરકાર તેની કિંમત નક્કી કરશે. આ પછી જ ફાર્મા કંપનીને વેક્સિન બજારમાં ઉતારવાની પરવાનગી આપવામાં આવશે.
અધિકારીઓના જણાવ્યા મુજબ વાર્ષિક સ્વાસ્થ્ય બજેટના લગભગ રકમ કોરોના વાયરસ વેક્સિનેશન કાર્યક્રમ પાછળ ખર્ચ કરવામાં આવશે. ભારતનું વાર્ષિક સ્વાસ્થ્ય બજેટ અંદાજે 65 હજાર કરોડની આસપાસ છે. વેક્સિનેશન માટે અંદાજે 55 હજાર કરોહ રૂપિયાનો ખર્ચ થાય તેવી સંભાવના છે.