રાજકોટ તા.1
જંકશન પાસે ગાયકવાડીમાં માવતરે આવેલી પરિણીતાને વડોદરા રહેતાં સાસુ-સસરા અને પતિએ ત્રાસ આપતા મહિલા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.ગાયકવાડીમાં માવતરે રહેતા ધ્રુવીબેન શ્રેયાંસભાઈ પોપટ (ઉ.વ.30) નામના પરિણીતાએ વડોદરામાં કારેલી બાગ પાસે ન્યુ વીઆઈપી રોડ અનન્યા હાઈટસ સિદ્ધાર્થનગર પાસે રહેતા સસરા દિવ્યકાંતભાઈ રસીકલાલ પોપટ, ચંદ્રીકાબેન દિવ્યકાંતભાઈ પોપટ અને પતિ શ્રેયંસ દિવ્યકાંતભાઈ પોપટ સામે ફરિયાદ કરતાં મહિલા પોલીસ મથકમાં 498, 504 અને 114ની કલમ હેઠળ ગુન્હો નોંધી તપાસ આદરી છે. ધ્રુવીબેને ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેમનાં લગ્ન એક વર્ષ પહેલા થયા હતા. તેણે ફાર્મસી સુધીનો અભ્યાસ કર્યો છે. લગ્નનાં પંદરેક દિવસમાં દાંતનો દુ:ખાવો થતો હોય જેથી મારા પતિ તથા સાસુ-સસરાને દાંતની સારવાર કરવા માટે જણાવતા ઉશ્કેરાયને તેઓ બિભત્સ ગાળો બોલતા હતાં.
પિયરે 10 દિવસ રોકાયા બાદ સાસરે ગઈ ત્યારે સાસુ-સસરા અને પતિ દ્વારા ત્રાસ અપાતો હતો અને તેઓ કહેતા કે, અમે છેતરાઈ ગયા છીએ. તારા કરતા પણ સારા માગાઓ અમારા દીકરા માટે આવતા હતા. અમારે તો રાજકોટ સગપણ કરવું જ નહોતું. રાજકોટની છોકરીઓ દસ હજાર પગારમાં નોકરી કરતી હોય હવામાં ઉડતી હોય છે. સાસુ કહેતા કે તુ કરિયાવરમાં પલંગ કે કબાટ લઈને નથી આવી. કામકાજમાં પણ મેણાટોણા મારતા હતા. સાસુ વાસી અને ઠંડો ખોરાક આપતાં પરિણીતા બીમાર રહેતી હતી તે લોકોના ત્રાસથી ડિપ્રેશનમાં જતી રહી હતી. ત્યારબાદ ધ્રુવીબેન તેના કાકા-કાકીને ફોન કરી મને કાકાના ઘરે વડોદરા આરામ કરવા મોકલી દીધી હતી. સાસુ-સસરા એ કાકીને કહ્યું કે અમોને આનાથી છુટકારો અપાવો. ત્યારબાદ માર્ચમાં મારા પતિએ આરામ કરવા પિયરે મોકલેલ બાદમાં કોરોના વાયરસને પગલે લોકડાઉન થતાં પિયરે જ રોકાઈ ગઈ હતી અને લોકડાઉન બાદ સાસુ-સસરાએ તેડાવવાની ના પાડી ઘરમાંથી જ કાઢી મુકી હતી. જેથી મહિલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા હેડ કોન્સ્ટેબલ આર.પી.કથીરીયાએ વધુ તપાસ આદરી હતી.