અમદાવાદ, તા.1
ગુજરાતમાં તહેવારો બાદ કોરોનાની બીજી લહેર શરૂ થઈ છે. જે ખૂબ ભયાનક સાબિત થઈ રહી છે. દર્દીઓની સંખ્યા તો વધી જ છે સાથે મૃતકોનો આંકડો પણ વધી રહ્યો છે. સામાન્ય લોકો સાથે કોરોના દર્દીની સારવાર કરતા કોરોના વોરિયર્સ પણ કોરોનાની ઝપેટમાં આવી રહ્યા છે.
અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતા વધુ 5 ડોકટર કોરોનાથી સંક્રમિત થયા છે. અહીં અત્યાર સુધીમાં તબીબો, નર્સ અને મેડિકલ સ્ટાફના કર્મચારીઓ મળી કુલ 462 કોરોના વોરિયર્સ સંક્રમણની ઝપેટમાં આવી ચુક્યા છે. ગુજરાતમાં દિનપ્રતિદિન કોરોના સંક્રમણ વધી રહ્યું છે. ગઈકાલે રાજ્યમાં કોરોનાના નવા 1502 કેસ સપાટી પર આવ્યા હતા અને 20 દર્દીઓના મૃત્યુ થયા હતા.
સરકાર તરફ મળેલા આંકડા મુજબ રાજ્યમાં હાલ કુલ 83 દર્દીઓ વેન્ટીલેટર પર છે જ્યારે 14887 દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યનો કુલ મૃત્યુઆંક 3989 તથા કુલ પોઝીટીવ કેસનો આંક 209780 પર પહોંચ્યો છે. એવામાં અમદાવાદમાં સૌથી વધુ કેસો નોંધાઈ રહ્યા છે અહીં ગઈકાલે 312 કેસ નોંધાયા હતા અને 13 દર્દીના મોત થયા હતા. હાલ આ મહામારી વચ્ચે જીવલેણ વાઈરસના સંક્રમણનું સૌથી વધુ જોખમ કોરોના સામે ફ્રન્ટ લાઈન ફાઈટ કરી રહેલા ડોક્ટરો સહિતના મેડિકલ સ્ટાફ પર હોય છે,
ત્યારે અમદાવાદની સિવિલ હોસ્પિટલના વધુ 5 તબીબો કોરોનાથી સંક્રમિત થયા છે. ભૂતકાળમાં પણ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવી રહેલા અનેક કર્મચારીઓ કોરોનાથી સંક્રમિત થઈ ચૂક્યાં છે. તાજેતરમાં હોસ્પિટલના મેડિસીન વિભાગ સહિત અન્ય વિભાગના હેડ ઓફ ડિપાર્ટમેન્ટ કોરોનાથી સંક્રમિત થયા હતા. દર્દી વધતા અને ડોક્ટરોની પણ અછત થતા. કોરોના દર્દીઓને તાકીદે સારવાર મળી રહે તે માટે રાજ્યભરમાંથી ડોક્ટરોને ડેપ્યુટેશન પર અમદાવાદ લવાયા છે.