બે સગીર બહેનોને ભગાડી જનાર શખ્સ સામે કડક કાર્યવાહી કરો

01 December 2020 05:40 PM
Rajkot
  • બે સગીર બહેનોને ભગાડી જનાર શખ્સ સામે કડક કાર્યવાહી કરો

દિકરીઓના પરિવાર દ્વારા પોલીસ કમિશનર કચેરીએ ‘બેટી બચાવો’ના બેનર સાથે રજૂઆત: પોલીસે આરોપીને ઝડપી બંને સગીરાને મુક્ત કરાવી : યુનિ. પી.આઈ. એ.એસ. ચાવડા

રાજકોટ,તા. 1
શહેરના સાધુ વાસવાણી રોડ પર આવેલી આવાસ યોજનામાં રહેતો શખ્સ પાડોશમાં રહેતી બે સગીર વયની બહેનોને ભગાડી ગયો હતો જે અંગે પોલીસે અપહરણ અંગેનો ગુનો નોંધ્યો હતો. ત્યારે આ બાબતે દિકરીઓના પરિવાર સહિતનાઓ પોલીસ કમિશનર કચેરીએ રજૂઆત કરવા આવ્યા હતા અને આરોપી સામે કડક કાર્યવાહી કરવા માંગણી કરી હતી. શહેરના સાધુ વાસવાણી રોડ પર જનકપુરી સામે આવેલી આવાસ યોજના ક્વાર્ટરમાં રહેતો રાકેશ કાકુભાઈ ડાંગર નામનો શખ્સ તેની પાડોશમાં રહેતી 16 વર્ષ અને 14 વર્ષની સગીરાને લલચાવી ફોસલાવી ભગાડી ગયો હતો. આ મામલે ગત તા. 21-11નાં દિકરીના પરિવારે યુનિ. પોલીસ મથકમાં ફરિયાદ કરી હતી જેથી પોલીસે અપહરણ અંગેનો ગુનો નોંધ્યો હતો. દરમિયાન આજરોજ આ દિકરીઓનાં પરિવાર સહિતનાઓએ પોલીસ કમિશનર કચેરીએ રજૂઆત કરવા આવ્યા હતા. તેઓએ બેટી બચાવોના બેનર સાથે રજૂઆત કરી આરોપી સામે કડક કાર્યવાહી કરવા માંગણી કરી હતી. આરોપીઓ સામે તટસ્થ તપાસ અને કડક કાર્યવાહી નહીં થાય તો વાલ્મીકી સમાજ દ્વારા ધરણા-રેલી સહિતના કાર્યક્રમો આપવાની ચિમકી ઉચ્ચારી હતી. બીજી તરફ આ મામલે યુનિ. પોલીસ મથકના પી.આઇ. એ.એસ. ચાવડાએ જણાવ્યું હતું કે પોલીસે આ મામલે તપાસ કરી ગઇકાલે આરોપીને ઝડપી લઇ બંને સગીરાઓને મુક્ત કરાવી છે. આરોપીનો કોરોના ટેસ્ટ કરાવાયા બાદ તેની વિધિવત ધરપકડ કરાશે.


Related News

Loading...
Advertisement