પાલનપુર, તા.1
નેતાઓ જ ભાન ભૂલે તો પબ્લીકનો શું વાંક? આમજનતા માસ્ક ન પહેરે તો હજારો રૂપિયાનો દંડ ભરવો પડે છે પણ નેતાઓને જાણે આ નિયમ લાગતો જ નથી તેમ છડે ચોક માસ્ક વગર ઘુમતા જોવા મળે છે. બનાસ કાંઠામાં એક કાર્યક્રમમાં ભાજપના ધારાસભ્ય, એક પૂર્વ કેન્દ્રીય મંત્રી, પ્રમુખોએ કોરોના ગાઇડ લાઇનના લીરા ઉડાડયા હતાં. ભાજપના ધારાસભ્ય પૂર્વ કેન્દ્રીય મંત્રી સહિત મંત્રી-પ્રમુખોએ સરકારની આબરૂના ધજાગરા ઉડાવ્યા હતા. માસ્ક વગર તમામ ભાજપના પદાધિકારીઓ અને સોશિયલ ડિસ્ટન્સના લીરેલીરા ઉડાવ્યા હતા. પાલનપુર ભાજપ કાર્યાલય ખાતે આજે યોજાયેલ કાર્યક્રમનો ફોટા વાઇરલ થયા છે. સંગઠનના ભાજપના નવા માળખાના વરાયેલા હોદેદારો સાથે કાર્યક્રમ યોજાયો હતો.
બનાસકાંઠામાં ભાજપ નેતાઓ ભાન ભૂલ્યા હતા, પાલનપુર ખાતે ભાજપના સંગઠનના નવા માળખાની રચના દરમિયાન ભાજપ કાર્યાલય ખાતે સરાજાહેરમાં સોશિયલ ડિસ્ટન્સ ભંગ થયો હતો. નવનિયુક્ત હોદેદારોનો અભિવાદન કાર્યક્રમમાં ભાજપના નેતાઓ માસ્ક વગર નજરે પડ્યા હતા.સૌથી આશ્ચર્યજનક વાત એ રહી હતી કે, કોરોનાની ગાઇડ લાઇન્સના જાહેરમાં લીરે લીરા ઉડાડવામાં પૂર્વ કેન્દ્રીય મંત્રી હરિભાઇ ચૌધરી, ડીસાના ધારાસભ્ય શશીકાંત પંડયા પણ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. આ આખો કાર્યક્રમ જ જિલ્લા અધ્યક્ષ ગુમાનસિંહ ચૌહાણના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો તેઓ પણ માસ્ક વગર નજરે પડ્યા હતાં.