નવીદિલ્હી, તા.1
કૃષિ કાયદા મામલે ઉત્તર ભારતમાં ખેડૂતોનું આંદોલન હવે આંતરરાષ્ટ્રીય સ્તરે પહોંચી ચૂક્યું છે. કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ ભારતમાં ચાલી રહેલા આ પ્રદર્શન ઉપ2 પોતાની પ્રતિક્રિયા આપતાં કહ્યું છે કે કેનેડા હંમેશા શાંતિપૂર્ણ પ્રદર્શનનું સમર્થન કરતું આવ્યું છે.
ગુરુનાનક જયંતીના અવસર પર કેનેડાના વડાપ્રધાને શિખ લોકોનું સંબોધન કર્યું હતું. આ દરમિયાન તેમણે ભારતમાં ચાલી રહેલા ખેડૂત આંદોલન ઉપર વાત કરી હતી. ટ્રુડોએ કહ્યું કે ભારતમાંથી ખેડૂતોના પ્રદર્શનને લઈને જે અહેવાલો આવી રહ્યા છે તે ચિંજાનક છે. અમને લોકોના પરિવારજનોની સતત ચિંતા છે.
તેમણે કહ્યું કે કેનેડા હંમેશા શાંતિપૂર્ણ પ્રદર્શનના હક્કમાં છે અને ભારતમાં આવા પ્રદર્શનોના હક્કમાં પોતાની વાત રાખતું રહેશે. અમે ભારતીય સરકાર સાથે સંપર્કમાં છીએ અને અમારી ચિંતાઓ પણ વ્યક્ત કરી રહ્યા છીએ. આ સમય એક થઈને રહેવાનો છે. જસ્ટિન ટ્રુડો એવા પહેલાં રાષ્ટ્રપ્રમુખ હશે જેમણે ભારતમાં ચાલી રહેલા ખેડૂત આંદોલનો ઉપર ટીપ્પણી કરી છે. કેનેડામાં શિખ સમુદાયના લોકો મોટી સંખ્યામાં રહે છે. કેનેડા સરકારમાં અનેક મહત્ત્વપૂર્ણ પદ પણ શિખ લોકો પાસે છે. આવામાં જો પંજાબમાં કંઈ મોટું થાય છે તો તેની અસર કેનેડા ઉપર પણ પડે જ છે. ટ્રુડોની ટીપ્પણી પર ભાજપના રામ માધવે કહ્યું કે શું આ ટીપ્પણી ભારતના આંતરિક મામલામાં દખલ આપવા સમાન નથી ? કેનેડાના વડાપ્રધાન ઉપરાંત રક્ષામંત્રી હરજીતસિંહ સજ્જને પણ પોતાના ટવીટર એકાઉન્ટ ઉપર ખેડૂત પ્રદર્શન અંગે મત વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું હતું કે શાંતિપૂર્ણ રીતે પ્રદર્શન કરી રહેલા લોકો ઉપર જે એક્શન લેવામાં આવી રહી છે તે ખોટી છે. મારા ક્ષેત્રમાં રહેતાં અનેક લોકો પ્રદર્શનમાં ભાગ લેનારા લોકો સાથે પરિચયમાં છે.