પૂર્વ પતિએ પત્નીની ગળાટૂંપો આપી હત્યા કરી લાશ લટકાવી દીધી

01 December 2020 04:28 PM
Rajkot Crime
  • પૂર્વ પતિએ પત્નીની ગળાટૂંપો આપી હત્યા કરી લાશ લટકાવી દીધી
  • પૂર્વ પતિએ પત્નીની ગળાટૂંપો આપી હત્યા કરી લાશ લટકાવી દીધી

માંડાડુંગર પાસે સુંદરમ પાર્કમાં આવેલા ઘરમાં અત્યંત દુર્ગંધ આવતી હોય તપાસ કરતાં મહિલાની ફાંસો ખાધેલી હાલતમાં કોહવાયેલી લાશ મળી હતી : મહિલાના ગત તા. 23ના પતિ સાથે છૂટાછેડા થયા હતા:મહિલા ચુનારાવાડમાં અન્ય પુરુષ સાથે મૈત્રી કરાર કરી રહેતી હોય તે બાબતે થયેલા ઝઘડાનો ખાર રાખી પતાવી દીધી : પોલીસે હત્યાનો ગુનો નોંધ્યો : શકદાર તરીકે પૂર્વ પતિ ઉપરાંત તેના કૌટુંબીક ભાઈ-ભાભીના નામ

રાજકોટ,તા. 1
શહેરના માડાડુંગર નજીક સુંદરમ પાર્કમાં મકાનમાં અત્યંત દુર્ગધ આવતી હોય જે બાબતે આસપાસના લોકોએ જાણ કરતા પોલીસે અહીં પહોંચી ઘરમાં જોતા મહિલાની ફાંસો ખાધેલી હાલતમાં કોહવાયેલી લાશ મળી આવી હતી. જેથી પોલીસે મૃતદેહને ફોરેન્સીક પીએમ માટે ખસેડયો હતો. દરમિયાન ફોરેન્સીક પી.એમ. રિપોર્ટમાં મહિલાને ગળાટૂંપો આપી હત્યા કરાયાનું સ્પષ્ટ થયું હતું. પોલીસે આ મામલે તપાસ કરતાં કોળી પરિણીતાના પતિ સાથે ગત તા. 23નાં જ છૂટાછેડા થયા હતા. તેણી અન્ય પુરુષ સાથે મૈત્રીકરાર કરી રહેતી હતી. પતિ-પત્ની વચ્ચે અગાઉ મૈત્રી કરાર બાબત અને ચારિત્ર્ય સહિતની બાબતોએ વારંવાર ઝઘડા થતાં હોય તેનો ખાર રાખી પૂર્વ પતિ આનંદ સાકરીયાએ પોતાના પિતરાઈ ભાઈ-ભાઈની મદદથી પોતાની પૂર્વ પત્નીને ગળાટૂંપો આપી હત્યા કર્યા બાદ લાશ લટકાવી દીધી હોવાનું માલુમ પડયું હતું. જેથી પોલીસે આ મામલે હત્યા અંગેનો ગુનો નોંધી આરોપી પતિને સકંજામાં લઇ તપાસ શરુ કરી છે.


આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ, માડાડુંગર પાસે સુંદરમ પાર્કમાં એક મકાનમાં અત્યંત દુર્ગંધ આવતી હોય જે બાબતે જાણ કરાતા પોલીસે અહીં પહોંચી તપાસ કરતાં મહિલાનો ફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. બનાવના પગલે હત્યા આજી ડેમ પોલીસ મથકના પીઆઈ વી.જે. ચાવડા, રાઈટર જાવેદભાઈ રીઝવી સહિતનો સ્ટાફ તાકીદે બનાવ સ્થળે પહોંચી ગયો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં એવી વિગત સામે આવી છે કે જેની લાશ મળી છે કે મહિલાનું નામ ભારતી આનંદભાઈ સાકરીયા (ઉ.41) હોવાનું માલુમ પડયું હતું. મહિલાનો પતિ આનંદ થોરાળા વિસ્તારમાં રહે છે. પરિણીતાને સંતાનમાં પાંચ પુત્રી છે જેમાંથી એકના લગ્ન થઇ ચૂક્યા છે. પતિ સાથે મનમેળ ન થતા પરિણીતા પોતાની દિકરીઓને પતિને સોંપી અહીં સુંદરમ પાર્કમાં રહેતી હતી.


પરિણીતાએ ચુનારાવાડમાં રહેતા પ્રવિણ મેણીયા નામના યુવક સાથે દોઢ માસ પૂર્વે મૈત્રીકરાર કર્યા હતા અને તેણી છ દિવસ ચુનારાવાડમાં અને છ દિવસ સુંદરમ પાર્કમાં આવેલા પોતાના મકાને રહેતી હતી.પરિણીતાના ગત તા. 23 નવેમ્બરના જ છૂટાછેડા થઇ ગયા હતા. પોલીસે પરિણીતાના મૃતદેહનું ફોરેન્સીક પીએમ કરાવતા તેના રિપોર્ટમાં પરિણીતાને ગળાટૂંપો આપી હત્યા કર્યાનું સ્પષ્ટ થયું હતું જેથી પોલીસે અગાઉથી જ સકંજામાં લઇ લીધેલા પરિણીતાના પૂર્વ પતિ આનંદ ચુનીલાલ સાકરીયાની આકરી પૂછપરછ કરતાં હત્યાના બનાવનો ભેદ ઉકેલાઈ ગયો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં એવી વિગતો સામે આવી હતી કે કોળી પરિણીતા અને તેના પૂર્વ પતિ આનંદ સાકરીયા વચ્ચે વારંવાર ઝઘડાઓ થતા હતા. આ ઝગડાઓ મોટાભાગે પરિણીતાના ચારિત્ર્યને લઇ થતા હતા.

દરમિયાન પરિણીતાએ મૈત્રી કરાર કરી લેતા પતિ ખુન્નસે ભરાયો હતો. છુટાછેડા થઇ ગયા બાદ પણ પૂર્વ પત્ની પર દાઝ રાખી તેણે પોતાના કૌટુંબીક ભાઈ સંજય ભુસડીયા અને તેની પત્ની વર્ષાબેન ભુસડીયાની મદદથી ભારતીની ગળાટૂંપો આપી હત્યા કર્યા બાદ તેની લાશ લટકાવી દીધી હતી. આ મામલે પોલીસે ભારતી જેની સાથે મૈત્રી કરાર કરી રહેતી હતી તે પ્રવિણ મેણીયાની ફરિયાદ પરથી હત્યા અંગેનો ગુનો નોંધી તેમાં શકદાર તરીકે પરિણીતાના પૂર્વ પતિ આનંદ સાકરીયા તથા તેના કૌટુંબીક ભાઈ-ભાભી સંજય અને વર્ષાના નામજોગ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. હત્યાના આ બનાવ અંગે વધુ તપાસ આજી ડેમ પોલીસ મથકનાં પીઆઈ વી.જે. ચાવડા ચલાવી રહ્યાં છે.


Related News

Loading...
Advertisement