રાજકોટ,તા. 1
ડીસેમ્બર મહિનાની શરુઆત સાથે જ બુટલેગરો પ્યાસીઓની પ્યાસ બુઝાવવા માટે તૈયારીમાં લાગી ગયા હોય તેમ રાજકોટમાં ગઇકાલે ડનલોપ ગાદલાની આડમાં દારુનો મોટો જથ્થો ઝડપાયા બાદ આજરોજ નવાગામ પાસે દારુ ભરેલો ટ્રક ઝડપાયો હતો. પોલીસે ટ્રકમાં બારદાનની આડમાં છુપાવેલી 1668 દારુની બોટલ તેમજ 168 બિયરના ટીન સહિત 7.02 લાખનો દારુ તથા ટ્રક સહિત રૂા. 17.11 લાખનો મુદામાલ કબજે કરી નવાગામ ધેડના ટ્રકચાલકની ધરપકડ કરી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં દારુનો આ જથ્થો દમણથી મંગાવ્યો હોવાનું માલુમ પડયું હતું. જો કે કોને સપ્લાય કરવાનો હતો તે અંગે પોલીસ તપાસ ચલાવી રહી છે.
દારુના આ દરોડા અંગે જાણવા મળતી વિગતો મુજબ ક્રાઈમ બ્રાંચના પીઆઈ વી.કે. ગઢવીની રાહબરી હેઠળ પીએસઆઈ એસ.વી. સાખરા તથા ટીમ પેટ્રોલીંગમાં હતી દરમિયાન કોન્સ્ટેબલ દેવાભાઈ ધરજીયા, ક્રિપાલસિંહ જાડેજા અને જીજ્ઞેશભાઈ મારુને એવી સચોટ બાતમી મળી હતી કે કુવાડવા હાઈવે પર દારુ ભરેલો ટ્રક પસાર થનાર છે. આ બાતમીના આધારે પોલીસ સ્ટાફે કુવાડવા હાઈવે પર વોચ ગોઠવી હતી. દરમિયાન નવાગામ (બામણબોર) પાસે બંસલ પેટ્રોલ પંપ નજીક ટ્રક નં. જીજે 12 એક્સ 3655 શંકાસ્પદ રીતે પસાર થતાં પોલીસે તેને અટકાવ્યો હતો.પોલીસે ટ્રકને અટકાવી તેમાં તલાશી લેતાં અંદર બારદાનનો જથ્થો પડયો હતો. જે બારદાન હટાવતા તેની અંદરથી દારુ મળી આવ્યો હતો. પોલીસે ટ્રકમાંથી 1668 બોટલ દારુ કિ.રૂ. 6,85,200 તથા 168 બિયરના ટીન કિ.રૂા. 16,800 સહિત રૂા. 7,02,000ની કિંમતનો દારુ-બિયરનો જથ્થો ઝડપી પાડયો હતો.
દારુના આ જથ્થા સાથે પોલીસે ટ્રકચાલક ધર્મેન્દ્ર દિલીપભાઈ ગોહીલ (ઉ.30, રહે. નવાગામ ઘેડ, મૂળ જાંબુડા, તા. જામનગર) નામના ટ્રકચાલકને ઝડપી લીધો હતો. દારુ અને બિયરનો જથ્થો તથા ટ્રક સહિત કુલ રૂા. 17,11,000નો મુદામાલ કબજે કરી પોલીસે પકડાયેલા આરોપીની પૂછપરછ કરતાં દારુનો આ જથ્થો દમણથી લાવ્યો હોવાનું તેને કબૂલ્યું હતું પરંતુ માલ કોને પહોંચાડવાનો હતો તે અંગેની માહિતી જાણી શકાય ન હતી જેથી પોલીસે દારુ મોકલનાર તથા દારુ મંગાવનાર બંનેની શોધખોળ શરુ કરી છે.