રાજકોટ તા. 1
એન્ટી કરપ્શન બ્યુરોની ટીમે છેલ્લા 11 માસ દરમ્યાન ર9 સરકારી બાબુઓ સામે અપ્રમાણસર મીલ્કતના કેસ કર્યા છે. અને 40.47 કરોડની અપ્રમાણસર મીલ્કત શોધી કાઢી છે. એસીબી કરેલી આ કાર્યવાહીમાં 3 કલાસ વન અધીકારીનો પણ સમાશવે થાય છે.
સરકારી કચેરીઓમાં ચોકકસ પ્રકારના વહીવટ વગર કોઇ કામ થતા ન હોવાની ફરીયાદો સામાન્ય બની ચુકી છે. ત્યારે સરકારી કચેરીઓમાં અને સરકારી અધિકારીઓમાં પેસી ગયેલા ભ્રષ્ટાચારના દુષ્ણને દુર કરવા એન્ટી કરપ્શન બ્યુરોએ ઝુંબેશ ચલાવી હોય તેમ છેલ્લા 11 માસમાં ર9 સરકારી કર્મચારીઓ સામે અપ્રમાણસર મિલ્કતના કેસ કર્યા છે.
એસીબી એ સતાવાર જાહેર કરેલી વિગતો મુજબ કથીત રીતે આવક કરતા વધુ સંપતી જેમાં જમીન અને ઘરનો સમાવેશ થાય છે તેવી 40.47 કરોડ જેટલી સંપતી આ કાર્યવાહી દરમ્યાન શોધી કાઢી છે. એસીબીએ સરકારી કર્મચારીઓ સામે જે કાર્યવાહી કરી છે તેમાં 8 સરકારી કર્મચારીઓ બંધ થઇ ચુકેલા ગુજરાત ભુમી વિકાસ નીગમના પુર્વ કર્મચારીઓ છે.
અન્ય આરોપીઓ શહેરી વિકાસ વિભાગ, રાજસ્વ, સીંચાઇ, પીડબલ્યુડી, ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ, પોલીસ, શિક્ષણ વિભાગ, વન અને પર્યાવરણ, સ્વાસ્થય તથા ખાણ ખનીજ વિભાગો સાથે સંકળાયેલા છે. એસીબીએ જાહેર કરેલી યાદી મુજબ આ કર્મચારીઓ વિરુધ્ધ ભ્રષ્ટાચાર નિવારણ અધિનીયમ અને બેનામી સંપતી ટ્રાંજેકશન પ્રોહીબીશન એકટ હેઠળ કેસ કરવામાં આવ્યા છે.
સોમવારે એસીબીની ટીમે સીંચાઇ વિભાગમાંથી નિવૃત ઇજનેર કાળુભાઇ રામ સામે 1.38 કરોડ રૂપીયાથી વધુ સંપતી અંગે કેસ દાખલ કર્યો છે. તેમની આવકના સ્ત્રોત કરતા તેમની પાસે 97.71 ટકા વધુુ સંપતી મળી આવી હતી.