ભાણવડનાં સણખલા ગામે લગ્ન પ્રસંગમાં વધુ મહેમાનો એકત્ર થતા ગુનો દાખલ

01 December 2020 03:21 PM
Jamnagar Crime
  • ભાણવડનાં સણખલા ગામે લગ્ન પ્રસંગમાં વધુ મહેમાનો એકત્ર થતા ગુનો દાખલ

જાહેરનામાના ભંગ બદલ પાંચ સામે કડક કાર્યવાહી

જામખંભાળીયા, તા. 1
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં લગ્નગાળો હાલ પૂરબહારમાં હોય, કોરોના વાયરસની હાલ ચાલી રહેલી મહામારીમાં મર્યાદિત સંખ્યામાં સંબંધીઓ સાથે લગ્ન કરવા અંગેના જાહેરનામાનો ભંગ કરવા સબબ જિલ્લામાં ગઈકાલે તાલુકામાં જિલ્લાનો પ્રથમ ગુનો નોંધાયો છે. ભાણવડ તાલુકાના સણખલા ગામે રહેતા અને ખેત વ્યવસાય સાથે સંકળાયેલા ખીમાભાઈ ભાયાભાઈ કરમુર નામના એક આહીર સદ્દગૃહસ્થએ પોતાની દીકરીના લગ્નમાં જાહેરનામાના નિયમનું ઉલ્લંઘન કરી અને 100 કરતાં વધુ વ્યક્તિઓને બોલાવ્યા હોવાનું પોલીસ તંત્રના ધ્યાને આવ્યું હતું. આથી ભાણવડ પોલીસે ખીમાભાઈ કરમુર સામે લગ્નમાં એકસો કરતાં વધુ વ્યક્તિઓને બોલાવ્યા હોવાથી તેમની સામે જાહેરનામા ભંગની કલમ 188 મુજબ ગુનો નોંધ્યો હતો.


બંદુક સાથે ઝડપાયો
કલ્યાણપુર તાલુકાના ભોગાત ગામે રહેતા માલદે લાખાભાઈ લાડક નામના 30 વર્ષીય હિન્દુ ડફેર યુવાન પાસેથી પોલીસે રૂપિયા 1500ની કિંમતની દેશી હાથ બનાવટની જામગરી બંદૂક કબજે કરી તેની સામે હથિયાર ધારાની કલમ મુજબ જરૂરી કાર્યવાહી કરી હતી.


જાહેરનામાનો ભંગ
ખંભાળિયાના નગર ગેઈટ વિસ્તારમાંથી મેવાસા ગામના દેશુર રામાભાઇ ચાવડા નામના 38 વર્ષના આહીર યુવાને તેની ઇકો મોટરકારમાં આઠ વ્યક્તિઓ સાથે નીકળતા પોલીસે તેને ઝડપી લઇ તેની સામે જાહેરનામા ભંગ સહિતની કલમ મુજબ ગુનો નોંધ્યો હતો.જ્યારે મીઠાપુરના દેવપરા ગામે રહેતા રમેશભા ખેતાભા માણેક (ઉ.વ. 30), સુરજકરાડીના કપિલ પ્રકાશભાઈ તાવડી (ઉ.વ. 30) અને સુરેશ ઘેલાભાઈ સાદીયા (ઉ.વ. 35) નામના ત્રણ વાહન ચાલકો સામે પણ મીઠાપુર પોલીસે કલમ 188 મુજબ જરૂરી કાર્યવાહી કરી હતી.


Related News

Loading...
Advertisement