ખેડૂતોને મનાવવા સરકારની કવાયત : આજે બેઠક

01 December 2020 12:31 PM
India Politics
  • ખેડૂતોને મનાવવા સરકારની કવાયત : આજે બેઠક

કૃષિ કાનુનના વિરોધમાં ખેડૂત આંદોલનનો આજે છઠ્ઠો દિવસ : દિલ્હી બોર્ડર પર વિરોધ પ્રદર્શન વચ્ચે કેન્દ્રીય કૃષિમંત્રી અને ખેડૂત નેતાઓ વચ્ચે બેઠક

નવી દિલ્હી, તા. 1
કેન્દ્રીય કૃષિ કાયદાઓના વિરોધમાં છેલ્લા 6 દિવસથી દિલ્હી બોર્ડર પર ખેડુતો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે ત્યારે ખેડુતોને મનાવવાની સરકારે કવાયત હાથ ધરી છે. આજે ખેડુત નેતાઓ અને સરકાર વચ્ચે વાતચીત માટે બેઠક યોજાઇ છે.


કેન્દ્રીય કૃષિ કાયદાઓ પર ખેડૂતો તરફથી દિલ્હી બોર્ડર પર ચાલી રહેલા વિરોધ પ્રદર્શનની વચ્ચે કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે આંદોલનકારી ખેડૂતોને 1 ડિસેમ્બરે બપોરે 3 વાગ્યે વાતચીત માટે બોલાવ્યા છે. કેન્દ્રીય કૃષિ મંત્રીએ કહ્યું કે ખેડૂતો સાથે આગામી ચરણની વાતચીત 3 ડિસેમ્બરે થવાની હતી, પરંતુ ખેડૂત પ્રદર્શન કરી રહ્યા છે અને ઠંડીની સાથે કોરોના વાયરસ સંક્રમણનો ખતરો છે, તેથી મીટિંગ વહેલા હોવી જોઈએ. તેઓએ કહ્યું કે સ્થિતિને જોતાં પહેલા ચરણની વાતચીતમાં સામેલ ખેડૂતોને આજે 1 ડિસેમ્બરે બપોરે 3 વાગ્યે વિજ્ઞાન ભવનમાં વાતચીત માટે બોલાવવામાં આવ્યા છે.


આંદોલન કરી રહેલા ખેડૂતોએ કહ્યું કે તેઓ કોઈ પણ જાતની શરત સાથે વાતચીત કરવા તૈયાર નથી. સાથે જ ચેતવણી આપી છે કે રાષ્ટ્રીય રાજધાની આવતા તમામ પાંચ પ્રવેશ માર્ગને બંધ કરી દેવામાં આવશે. ખેડૂતોને નવા કૃષિ કાયદા બાબતે આશંકા છે કે તેનાથી મિનિમમ સપોર્ટ પ્રાઇસની પ્રથા બંધ થઈ જશે. આ દરમિયાન કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે કહ્યું કે કોરોના વાયરસ અને ઠંડીને ધ્યાને રાખીને અમે ખેડૂત યુનિયનના નેતાઓને 3 ડિસેમ્બર પહેલા જ બેઠક માટે આવવાનું આમંત્રણ આપ્યું છે.


તોમરે કહ્યું કે, જ્યારે કૃષિ કાયદા બન્યા હતા ત્યારે કેટલાક લોકોએ ખેડૂતોમાં ભ્રમ ફેલાવ્યો હતો. કેન્દ્ર સરકારે 14 ઓક્ટોબર અને 13 નવેમ્બરે ખેડૂતોની સાથે બે ચરણની વાતચીત કરી હતી, તે સમયે પણ સરકારે ખેડૂતોને કહ્યું હતું કે વિરોધ પ્રદર્શનનો રસ્તો ન અપનાવો. સરકાર વાતચીત કરવા માટે તૈયાર છે.


દરમ્યાન, કૃષિ સચિવ સંજય અગ્રવાલે 32 ખેડૂત સંઘોના પ્રતિનિધિઓને પત્ર લખીને તેમને આજની બેઠકમાં ચર્ચા માટે આમંત્રણ આપ્યું છે. અગ્રવાલે જે સંગઠનોને પત્ર લખ્યા છે તેમાં ક્રાંતિકારી ખેડૂત સંઘ, જમ્મુહારી કિસાન સભા, ભારતીય કિસાન સભા (દકુદા), કુલ હિન્દ કિસાન સભા અને પંજાબ કિસાન સંઘનો સમાવેશ થાય છે. અગાઉ 13 નવેમ્બરના રોજ મળેલી બેઠક પરિણામ વગરની રહી હતી.


ખેડૂતો નવા કૃષિ કાયદાઓનો વિરોધ ચાલુ રાખતાં ભાજપે તેમને ખાસ અપીલ કરી છે. પાર્ટીએ કહ્યું કે આ સુધારાઓ વિશે કોઈ ‘ગેરસમજ’ ન થવી જોઈએ. ભાજપના નેતા અને કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે તબક્કાવાર ટવીટમાં કેટલાક ખેડૂત સંગઠનો અને વિરોધી પક્ષો વતી આ કાયદાઓની ટીકાનું ખંડન કર્યું. તેમણે કહ્યું કે નવા કૃષિ કાયદા કૃષિ ઉત્પાદ બજાર સમિતિની મંડીઓને રદ કરતા નથી. પહેલાની જેમ મંડીઓ કાર્યરત રહેશે. નવા કાયદાથી ખેડૂતોને તેમના પાક ક્યાંય પણ વેચવાની સ્વતંત્રતા મળી છે. જે પણ ખેડૂતોને ઉત્તમ ભાવ આપે છે તે પાક બજારમાં હોય કે બજારની બહાર ખરીદી કરી શકશે.
નોંધનીય છે કે કૃષિ કાયદાઓનો વિરોધ કરી રહેલા ખેડૂતો આવનારા સમયમાં એમએસપી વ્યવસ્થા સમાપ્ત થવાને લઈ ચિંતા વ્યક્ત કરી રહ્યા છે. તેમને એવી આશંકા પણ છે કે આ કાયદાઓથી તેઓ ખાનગી કંપનીઓને આધીન થઈ જશે.


સિંધુ બોર્ડર પર એક પ્રદર્શનકારી ખેડૂત રણવીર સિંહે કહ્યું કે, મેં એપીએમસીમાં લગભગ 125 ક્વિન્ટલ ખરીફ પાક વેચ્યો છે અને પોતાના બેંક ખાતામાં એમએસપીની ચૂકવણી પ્રાપ્ત કરી છે. પરંતુ શું ગેરંટી કે જો માર્કેટ યાર્ડોની બહાર આ પ્રકારના વેપારની મંજૂરી રહી તો આ એમએસપીની વ્યવસ્થા ચાલુ રહેશે. આ અમારી ચિંતા છે.

બેઠક પૂર્વે સરકારના મંત્રીઓ અને ખેડૂત સંગઠનોની અંગત મિટીંગ મળી

માત્ર 3ર સંગઠનોને વાતચીત માટે કેમ બોલાવ્યા, બધાને કેમ નહીં ? : ખેડૂત નેતા

નવી દિલ્હી : કૃષિ કાનૂનના વિરોધમાં દિલ્હી બોર્ડરે આંદોલન પર ઉતરેલા ખેડૂતો અને સરકાર વચ્ચે આજે બેઠક યોજાવાની છે તે પૂર્વે બન્ને પક્ષે બેઠક કરી હતી. જે મુજબ આજે સવારે 10 વાગ્યે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નડ્ડાના નિવાસ સ્થાને મંત્રીઓની બેઠક યોજાઇ હતી જેમાં ખેડુત નેતાઓ સાથેની બેઠક અંગેની રણનીતિ અંગે ચર્ચા કરાઇ હતી. આ બેઠકમાં નડ્ડા ઉપરાંત રક્ષા મંત્રી રાજનાથસિંહ, કૃષિમંત્રી તોમર સહિતનાં નેતાઓ હાજર હતા.


સામે પક્ષે સરકાર સાથે બેઠક યોજાય તે પહેલા ખેડુત સંગઠનોની 11 વાગ્યે દિલ્હી બોર્ડર પર બેઠક યોજાઇ હતી. જેમાં સરકાર પર પ્રસ્તાવને લઇને ચર્ચા થઇ હતી. આ તકે ખેડુત નેતા સુખવિન્દરે જણાવ્યું હતું કે સરકારે વાતચીત માટે માત્ર 3ર સંગઠનોને જ કેમ બોલાવ્યા ? બધા જ કિસાન સંગઠનો સાથે વાત કરો.

 


Related News

Loading...
Advertisement