રાજકોટ,તા. 1
સમગ્ર સૌરષ્ટ્ર-કચ્છ શિયાળાની ઠંડક લગ્નસરાની સીઝનમાં કોરોનાની બીજી લહેર દોડી રહી છે. સંક્રમણમાં સતત વધારા સાથે પોઝિટીવ કેસોમાં વધારો થવા લાગ્યો છે. દિવાળી તહેવાર પહેલા કોરોનાનો કહેર થોડો સમી જતા લોકો કોરોનાનો ડર ભુલી બજારોમાં અને જાહેર સ્થળોએ એકઠા થવા લાગ્યા હતા. પરિણામે પોઝિટીવ કેસો અને મૃત્યુ દર ફરી વધવા લાગ્યો છે. સૌરાષ્ટ્ર-કચ્છમાં વધુ નવા 345 કેસ સામે 291 દર્દીઓ સાજા થયા છે.24 કલાક દરમિયાન રાજકોટ 105 શહેર 35 ગ્રામ્ય કુલ 140, જામનગર 27 શહેર 8 ગ્રામ્ય કુલ 35, જુનાગઢ 12 શહેર 13 ગ્રામ્ય કુલ 25, ભાવનગર 10 શહેર 4 ગ્રામ્ય કુલ 14, મોરબી-25, સુરેન્દ્રનગર-23, અમરેલી-21, ગીર સોમનાથ-10, બોટાદ-8, પોરબંદર-6, દ્વારકા-5, અને કચ્છ 33 સહિત 345 પોઝિટીવ કેસ નોંધાયા છે.જયારે દર્દીઓ સાજા થવાની સંખ્યામાં રાજકોટ-105, જામનગર 36, જુનાગઢ 17, ભાવનગર 30, મોરબી 24, સુરેન્દ્રનગર 14, અમરેલી 16, ગીર સોમનાથ 11, બોટાદ 3, પોરબંદર 9, દ્વારકા 7, કચ્છ 19 મળી કુલ 291 દર્દીઓ સાજા થયા છે. રાજકોટ 9 , જામનગર 2 અને અમરેલી 1 મળી 12 દર્દીઓના મોત નોંધાયા છે.
રાજકોટ
રાજકોટ જિલ્લામાં કોરોનાનો કહેર યથાવત રહ્યો છે. સૌરાષ્ટ્રમાં સૌથી વધુ પોઝિટીવ કેસ સાથે મૃત્યુદરમાં વધારો રાજકોટ જિલ્લામાં નોંધાયો છે. રાજકોટ જિલ્લામાં ગઇકાલે વધુ 9 દર્દીઓના મોતથી ફરી ડરામણો માહોલ જોવા મળે છે. ખાનગી-સરકારી હોસ્પિટલોમાં કોરોના દર્દીઓની સંખ્યા વધવા લાગી છે. છેલ્લા 24 કલાક દરમિયાન રાજકોટ શહેર 105 અને ગ્રામ્ય 35 મળી વધુ 140 પોઝિટીવ કેસ નોંધાયા છે. જેની સામે 105 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે. જિલ્લાનો કુલ આંક 10927 પર પહોંચ્યો છે. હાલ 735 દર્દીઓ સારવાર હેઠળ છે.
ભાવનગર
ભાવનગર જિલ્લામાં વધુ 14 નવા કોરોના પોઝીટીવ કેસ નોંધાતા જિલ્લામાં કોરોના પોઝીટીવ કેસોની સંખ્યા 5223 થવા પામી છે. જેમાં ભાવનગર શહેરી વિસ્તારમાં 8 પુરુષ અને 2 સ્ત્રી મળી કુલ 10 કેસો નોંધાયા છે. જ્યારે તાલુકાઓમાં મહુવા તાલુકાના કુંભણ ગામ ખાતે 1, મહુવા ખાતે 2 તથા સિહોર ખાતે 1 કેસ મળી કુલ 4 લોકોના કોરોના રિપોર્ટ પોઝીટીવ આવતા તેમને વધુ સારવાર માટે દાખલ કરવામાં આવેલ છે. જયારે ભાવનગર મહાનગરપાલિકાના 24 તેમજ તાલુકાઓનાં 3 એમ કુલ 27 કોરોના પોઝિટીવ દર્દી કોરોનામુક્ત થતા તેને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. જિલ્લામાં નોંધાયેલા 5223 કેસ પૈકી હાલ 64 દર્દીઓ સારવાર હેઠળ છે. જયારે અત્યાર સુધીમાં કુલ 5083 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે તેમજ જિલ્લામાં 69 દર્દીઓનું અવસાન થયેલ છે.
બોટાદ
બોટાદ જિલ્લામાં વધુ 8 પોઝીટીવ કેસ નોંધાયા છે. 3 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે. બોટાદ શહેરના સંક્રમણમાં વધારો નોંધાયો છે.
પોરબંદર
પોરબંદર જિલ્લામાં નવા 6 પોઝીટીવ કેસ નોંધાયા છે. 9 દર્દીઓ સાજા થતા રજા આપવામાં આવી છે.
દ્વારકા
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ગઇકાલે સોમવારે માત્ર ભાણવડના જ ત્રણ પોઝીટીવ દર્દીઓ સરકારી ચોપડે નોંધાયા છે. જ્યારે એક દર્દી ડિસ્ચાર્જ થતાં જિલ્લામાં હાલ 58 એક્ટિવ કેસ સારવાર હેઠળ છે. કોરોના કાળ દરમિયાન નોન કોવિડ 60 દર્દીઓ તથા કોરોનાના કારણે નવ દર્દીઓ કુલ મૃત્યુઆંક 69 સરકારી ચોપડે નોંધાયો છે.
અમરેલી
અમરેલી જિલ્લામાં સોમવારે સાંજ સુધીમાં કોરોના પોઝીટીવનાં નવા 18 કેસ નોંધાતા જિલ્લાનો કુલ આંક 3131 થવા પામ્યો છે. જ્યારે અમરેલીમાં વૃધ્ધનું કોરોનાના કારણે મૃત્યુ થતા કુલ મૃત્યુ આંક 35 થવા પામેલ છે.સોમવારે 18 કોરોના કેસ સામે 20 જેટલા દર્દીઓ સ્વસ્થ થતાં તે તમામને સારવારમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. તેમ છતાં હજુ 176 દર્દીઓ સારવાર હેઠળ રાખવામાં આવ્યા છે.