ઈસ્લામાબાદ તા.1
પાકિસ્તાનના ઈસ્લામાબાદ ઝુમાં લગભગ 30 વર્ષથી એકલવાયું જીવન ગાળી રહેલા કાવન નામના એશિયાટીક હાથીને નવી જીંદગી મળી છે. કાવનભાઈને ખૂબ જહેમત ઉઠાવીને પાકિસ્તાનથી કમ્બોડીયા શિફટ કરવામાં આવ્યો છે.
પાકિસ્તાને આ કાવન હાથીને શ્રીલંકા પાસેથી ખરીદ્યો હતો. ઘણાં વર્ષો સુધી આ ઝૂમાં એ સાહેલી નામની હાથણી સાથે રહેતો હતો. જો કે 2012માં પગમાં ગેન્ગરીન થવાની સાહેલી મૃત્યુ પામી. એ પછી સાવ એકલવાયા પડી ગયેલા કાવનની શારીરિક અને માનસિક સ્થિતિ કથળવા માંડી હતી. સતત સાંકળે બાંધી રાખવામાં આવતા આ હાથીને મુક્ત કરવાની માંગણી અને પ્રાણીપ્રેમી સંસ્થાઓએ કરી હતી, પણ ઈસ્લામાબાદ ઝૂ દ્વારા કોઈકને કોઈક બહાનું બતાવીને એ વાતને ટાળી દેવામાં આવતી. ઓસ્ટ્રીયાના વિયેનામાં આવેલી ફોર પોઝ ઈન્ટરનેશનલ નામની સંસ્થાની પહેલથી ડોકટરોની ટીમે પાકિસ્તાનમાં જ કાવનની સારવાર કરી અને ઈસ્લામાબાદમાં એની સારસંભાળ બરાબર રાખવામાં નહોતી આવતી એવો રિપોર્ટ આપ્યો. આ માટે સુપ્રીમ કોર્ટમાં પણ કાવનની મુક્તિ માટે ખટલો ચાલ્યો હતો.
આખરે ફ્રી ધ વાઈલ્ડ નામની પ્રાણીઓના સંરક્ષણ માટે કામ કરતી સંસ્થા થકી આ હાથીને કમ્બોડીયામાં સ્થળાંતરીત કરવાની મંજુરી મળી ગઈ હતી. થોડા દિવસ પહેલાં આ ઝૂમાં કાવનને ફેરવેલ પાર્ટી પણ આપવામાં આવેલી. હવે એ કમ્બોડીયાના 25,000 એકરમાં પથરાયેલા એનીમલ સેન્કચ્યુઅરીમાં રહેશે. પાંચ ટનના આ હાથીને સ્થળાંતરીત કરવા માટે ખાસ એરક્ધટેનર તૈયાર કરવામાં આવ્યું હતું. આ ક્ધટેનર કમ્બોડીયા પહોંચ્યું ત્યારે એનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.