સોનાના વૈશ્વિક ભાવ સાડા પાંચ વર્ષના તળીયે

01 December 2020 10:44 AM
Business India Top News
  • સોનાના વૈશ્વિક ભાવ સાડા પાંચ વર્ષના તળીયે

ઘરઆંગણે વિક્રમી ટોચથી ભાવ રૂા.8 હજાર ઘટયા: 2021માં તમામ અનિશ્ચિતતા દૂર થયા બાદ સુધારો આવશે

અમદાવાદ તા.1
વિશ્વમાં એક પછી એક કંપનીઓની કોરોના વેકસીન 90 ટકા ઉપર સફળ થઈ હોવાના દાવા અને અમેરિકાની ચૂંટણીમાં પ્રમુખપદ માટે હવે બાઈડન નકકી થઈ ગયાહોવાથી તમામ નેગેટીવ કારણો હવે દૂર થતા સોના-ચાંદીમાં મોટા પાયે વેચવાલી આવી છે. જેને પગલે વૈશ્ર્વિક સોનું ગઈકાલે ઘટીને સાડા પાંચ વર્ષનાં તળીયે પહોંચી ગયું હતું. જેની અસરે ભારતીય બજારમાં હાજરમાં સોનાના ભાવ રૂા.50000ની અંદર અને ચાંદી 60 હજારની અંદર ઉતરી ગઈ હતી.

આગામી દિવસોમાં સોના-ચાંદીનાં ભાવ હજી થોડા નીચા આવે તેવી સંભાવના છે. વૈશ્વિક બજારમાં સોનાનાં ભાવ ઘટીને સોમવારે 1766 ડોલરની નીચી સપાટી પર પહોંચ્યાં હતાં. જે છેલ્લા 5.5 વર્ષ બાદનાં સૌથી નીચા ભાવ હતાં. સોનામાં ગત ઓગષ્ટ મહિનામાં જોવા મળેલા રેકોર્ડભાવથી 300 ડોલરનો કડાકો આજ દિવસ સુધીમાં બોલી ગયો છે.

કોટન સિકયોરીટીનાં એનાલીસ્ટોએ જણાવ્યું હતું કે વિશ્વમાં કોરોના વેકસીનનાં સારા પરિણામો અને બાઈડન પ્રમુખપદ માટે નિશ્ર્ચિત બની ગયાં હોવાથી સોનામાં અનિશ્ચિતતા દૂર થઈ છે, જેને પગલે સરેરાશ ભાવ તૂટયા હતાં. વિશ્વમાં એસપીડીઆર ઈટીએફએમાં સોનાનું હોલ્ડીંગ પણ જુલાઈ મહિના બાદનું સૌથી નીચું છે. વોલસ્ટ્રી બેન્ક સીટીનાં અંદાજ પ્રમાણે સોનું ઘટીને 1700 ડોલરની સપાટીએ પહોંચ્યાં બાદ ફરી આગામી ત્રણથી છ મહિનામાં 2 હજાર ડોલરની સપાટીએ પહોંચે તેવી સંભાવના દેખાય રહી છે.

ભારતીય બજારમાં સોનાનાં ભાવ પણ તૂટયાં હતાં. અમદાવાદ ખાતે સોનાનાં ભાવ રૂા.400 તૂટીને રૂા.49,000નાં હતાં. ઓગષ્ટ મહીનામાં ભાવ વધીને રૂા.58000ની ઓલટાઈમ ઉંચી સપાટીએ પહોંચ્યા હતાં. જયારે ચાંદીનાં ભાવ રૂા.1100 ઘટીને રૂા.59,000 જોવા મળ્યા હતાં, જે પણ ઓગષ્ટ મહિનામાં વધીને રૂા.73,000ની સપાટીએ પહોંચ્યાં હતાં. રાજકોટમાં સોમવારે સોનું રૂા.49,530 અને ચાંદી રૂા.61,300ના ભાવ હતાં.

વૈશ્વિક બજારમાં સોનાનાં ભાવ નવેમ્બરમાં સરેરાશ છ ટકાથી પણ વધુ તૂટી ગયાં છે, જે નવેમ્બર 2016 એટલે કે ચાર વર્ષનો સૌથી મોટો માસિક ઘટાડો બતાવે છે.
સોનાની ભાવી ચાલ વિશે એનાલિસ્ટો કહે છે કે સોનામાં હવે નવેસરથી તેજી જાન્યુઆરી બાદ આવી શકે છે. કોરોના વેકસીન ડિસેમ્બર-જાન્યુઆરીમાં સતાવાર રીતે લોન્ચ થઈ જશે એટલે એનું કારણ ડિસ્કાઉન્ટ થશે અને જાન્યુઆરીમાં બાઈડન પ્રમુખપદે બિરાજી જશે. ટ્રમ્પે આડકતરી રીતે હવે હાર સ્વીકારી લીધી છે. આવી સ્થિતિમાં સોનાની આ મંદી બહુ લાંબી ચાલે તેવી સંભાવનાં ઓછી છે. 2021માં ફરી તેજીનો રાઉન્ડ આવી શકે છે.


Related News

Loading...
Advertisement