નવીદિલ્હી, તા.1
દુનિયાભરમાં અત્યારે કરોડો લોકો ડાયાબીટીઝની બીમારીથી પીડાઈ રહ્યા છે. ભારતમાં અત્યારે ડાયાબીટીઝ એક મહામારીનું સ્વરૂપ ધારણ કરી ચૂક્યું છે. હવે વૈજ્ઞાનિકોએ ડાયાબીટીઝને માત આપવા માટે એક નવી મેડિકલ રણનીતિ વિકસિત કરી છે. અભ્યાસુઓએ કહ્યું કે અગ્નાશયની કોશિશકાઓમાં વીટામીન ડી રિસેપ્ટર (વીડીઆર)નું સ્તર સંતુલીત રાખીને ડાયાબીટીઝને વધતું અટકાવી શકાય છે. સાથે જ આ રોગના વિકાસને કારણે થનારી અગ્નાશય કોશિકાઓની ક્ષતિને પણ રોકી શકાય છે. ઉલ્લેખનીય છે કે અગ્નાશયની કોશિકાઓ ઈન્સ્યુલીનને સંશ્લેષિત અને સ્ત્રાવિત કરે છે.
આ અભ્યાસ ઓટોનોમા ડી બાર્સિલોના યુનિવર્સિટીમાં સાઈબર્સ એરિયા ઓફ ડાયાબીટીઝ એન્ડ એસોસિએટેડ મેટાબોલિક ડિસીઝના વૈજ્ઞાનિકો દ્વારા કરવામાં આવ્યો છે. વૈજ્ઞાનિકોએ કહ્યું કે વિટામીન ડીની કમીથી બન્ને પ્રકારના ટાઈપ-1 અને ટાઈપ-2 ડાયાબીટીઝનો સૌથી વધુ ખતરો રહે છે. વિટામીન ડી રિસેપ્ટર જીનમાં ફેરફાર થવા સાથે આ બીમારીને મજબૂત સંબંધ છે. જો કે ડાયાબીટીઝના વિકાસમાં આ વિટામીન રિસેપ્ટરની વિશિષ્ટ ભાગીદારી અજ્ઞાત બનેલી છે.
આ નવો અભ્યાસ ઉંદર ઉપર કરવામાં આવ્યો છે જેમાં તેના વ્યવહારનું વિશ્લેષણ કરીને ડાયાબીટીઝના વિકાસમાં અગ્નાશય કોશિકાઓની વીડીઆર દ્વારા ભજવવામાં આવેલી ભૂમિકાને સમજવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. અભ્યાસુંઓએ ટાઈપ-1 અને ટાઈપ-2 ડાયાબીટીઝથી ગ્રસ્ત ઉંદરના અગ્નાશયમાં ઓછું વીડીઆર જોયું હતું. આ સાથે જ તેમણે એવું પણ જોયું કે ડાયાબીટીઝગ્રસ્ત ઉંદરની કોશિકાઓમાં વીડીઆરનું સ્તર વધુ હોવાથી આ બીમારીને અટકાવી શકાઈ હતી. અભ્યાસુઓએ કહ્યું કે વીડીઆરનું સાચું સ્તર ડાયાબીટીઝના ખતરાને ઓછો કરી શકે છે.
વૈજ્ઞાનિક એલબા કૈસલસે કહ્યું કે આ પરિણામો પરથી સ્પષ્ટ થાય છે કે ડાયાબીટીઝને વિકસિત થતું રોકવા અને બી કોશિકાઓને ક્ષતિથી બચાવવા માટે અગ્નાશયની કોશિકાઓમાં વીડીઆરના સ્તરને સંતુલિત બનાવી રાખવું જરૂરી હોય છે.