નવી દિલ્હી, તા. 30
દિલ્હીમાં ખેડુતોના આંદોલનના ટેકામાં હવે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી ખુલ્લા ટેકામાં આવ્યા છે તો બીજી બાજુ પંજાબ અને હરિયાણાથી આવેલા હજારો ખેડુતો દિલ્હીને સીલ કરાવવાના મૂડમાં છે.
અત્યાર સુધી આ મામલા અંગે માત્ર નિવેદનો કરી રહેલા કોંગ્રેસના નેતાઓ રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીએ આજે સવારે ખેડૂતોના આંદોલનને ખુલ્લો ટેકો જાહેર કરતાં સોશ્યલ મિડિયા પર લોકોને અપીલ કરી હતી કે ખેડૂતો સાથે થઇ રહેલા સરમુખત્યાર જેવા વર્તનનો વિરોધ કરવામાં ખેડૂતોને સાથ આપવા આગળ આવો.
અખબારના રિપોર્ટ મુજબ રાહુલે ‘સ્પીકપ ફોર ફાર્મર્સ’ નામે એક સામાજિક આંદોલન શરૂ કર્યું હતું. તેમણે સોશ્યલ મિડિયા પર લોકોને ખુલ્લી અપીલ કરી હતી કે જગતના તાત ગણાયેલા ખેડૂતોને ન્યાય અપાવવા તમે આગળ આવો. સ્પીકપ ફોર ફાર્મર્સના માધ્યમ દ્વારા અમારી સાથે જોડાઓ. રાહુલે વધુમાં લખ્યું કે પહેલાં મોદી સરકારે ખેડૂતોને બરબાદ કરવા પહેલાં કાળા કૃષિ કાયદા ઘડ્યા અને હવે ખેડૂતો પર લાઠીઓ અને ટીઅર ગેસ વરસાવવામાં આવી રહ્યાં છે.
પ્રિયંકા ગાંધીએ સરકાર પર આક્રમણ કરતાં કહ્યું કે કહેવાય કૃષિ કાયદો પરંતુ લાભ થશે મોદીના અબજોપતિ દોસ્તોને. ખેડૂતો સાથે વાટાઘાટ કર્યા વિના કૃષિ કાનૂન ઘડી કઇ રીતે શકાય એવો સવાલ તેમણે કર્યો હતો. આવા કાયદાથી ખેડૂતોને નુકસાન થઇ રહ્યું હોય એવી જોગવાઇ શી રીતે ઉમેરી શકાય. સરકારે ખેડૂતોની વાત સાંભળવીજ પડશે. આવો, અમારી સાથે જોડાઓ અને ખેડૂતોને તેમનાં હિત મેળવવાની લડતમાં અમને સાથ આપો.