મુંબઇ, તા.30
વર્ષ 2019ની લોકસભા ચૂંટણી કોંગ્રેસની ટીકીટ પર લડયા બાદ પક્ષ છોડી દેનારી બોલીવૂડ અભિનેત્રી ઉર્મીલા માંતોડકર આવતીકાલે શિવસેનામાં સામેલ થશે. શિવસેનાના પદાધિકારીએ આ અંગેની જાહેરાત કરી છે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉધ્વ ઠાકરેના અત્યંત નજીક મનાતા હર્ષલ પ્રધાને જણાવ્યું કે મુખ્યમંત્રીની હાજરીમાં ઉર્મિલા શિવસેનામાં સામેલ થશે.રાજ્યપાલના ક્વોટામાંથી વિધાનપરિષદમાં ઉમેદવારી માટે ઉર્મિલાનું નામ શિવસેના દ્વારા રાજ્યપાલ ભગત કોશીયારીને મોકલી દેવામાં આવ્યું છે. તેમના ક્વોટામાંથી ઉમેદવારી માટે 11 અન્ય લોકોના નામ પણ ત્રણ પક્ષ મહાવિકાસ અઘાડી સરકારે મોકલ્યા છે. રાજ્યપાલે હવે 12 નામની યાદીને મંજુરી આપવાની છે. ઉર્મિલાએ મુંબઇ ઉત્તર બેઠક પરથી 2019ની લોકસભા ચૂંટણી કોંગ્રેસની ટીકીટ પર લડી હતી પરંતુ તેનો અત્યંત કંગાળ દેખાવ રહેતા પરાજયનો સ્વાદ ચાખ્યો હતો આ પછી કોંગ્રેસ હાઇકમાંડ સાથે ખટપટ થતાં તેને પક્ષ છોડી દીધો હતો.