મોરબી, તાલાળા, કચ્છને ધ્રુજાવતો ભૂકંપ: ત્રણ આંચકાથી લોકોમાં ગભરાટ

30 November 2020 11:55 AM
kutch Saurashtra
  • મોરબી, તાલાળા, કચ્છને ધ્રુજાવતો
ભૂકંપ: ત્રણ આંચકાથી લોકોમાં ગભરાટ

તાલાલામાં મોડી રાત્રે 1:12 વાગ્યે 3.2નો આંચકો આવ્યા બાદ સવારે 5:52 વાગ્યે 2.0નો ભૂકંપ: મોરબીમાં સવારે 6:57 વાગ્યે 1.9નો આંચકો: કચ્છનું દુધઈ ફરી ધણધણ્યું

રાજકોટ, તા.30
થોડા સમયથી શાંત રહેલું સૌરાષ્ટ્ર-કચ્છનું પેટાળ ફરી ધણધણવા લાગ્યું છે. ગત મોડીરાતથી આજે વહેલી સવાર સુધીમાં મોરબી, તાલાળા અને કચ્છમાં ભૂકંપના ત્રણ આંચકા અનુભવાતાં લોકોમાં ગભરાટ ફેલાઈ જવા પામ્યો છે. જો કે આ ભૂકંપને કારણે કોઈ જાનહાની કે માલ-મિલકતને નુકસાન થયાના અહેવાલો નથી.


તાલાળામાં મોડીરાત્રે 1:12 વાગ્યે 3.2ની તીવ્રતાનો આંચકો ફઅનુભવાતાં કડકડતી ઠંડીમાં મીઠી નિદ્રા માણી રહેલા લોકો ભયના માર્યા ઘર બહાર દોડી આવ્યા હતા. આ પછી ફરી વહેલી સવારે 5:52 વાગ્યે 2.0ની તીવ્રતાનો આંચકો આવતાં લોકો રીતસરના ધ્રુજી ગયા હતા. તાલાલા ઉપરાંત મોરબીમાં સવારે 6:57 વાગ્યે 1.9ની તીવ્રતાનો આંચકો અનુભવાયો હતો. તાલાલા-મોરબીની ધરતી ધ્રુજાવ્યા બાદ ભૂકંપે કચ્છના દુધઈનો વારો લીધો હતો. કડકડતી ઠંડીમાંથી આંશિક રાહત વચ્ચે ભૂકંપ ઝોન-5માં આવતાં કચ્છના દુધ,માં 3.2ની તીવ્રતાના ભૂકંપના આંચકા સાથે પૂર્વ કચ્છના સીમાવર્તી રાપરમાં વધુ બે આંચકાએ હાજરી પૂરાવી હતી. મહા વિનાશક ધરતીકંપ આવ્યાને બે દાયકા જેટલો સમય વીતી ગયો હોવા છતાં કચ્છમાં નાના-મોટા ધરતીકંપના આંચકાનો સિલસિલો જારી રહ્યો છે.


દરમિયાન ગુરૂવારે રાત્રે 11:7 મિનિટે ભચાઉ તાલુકાના દુધઈમાં પૂર્વ-દક્ષિણ-પૂર્વ દિશામાં 7 કિ.મી.ના અંતરે 3.2ની તીવ્રતા સાથે ધરા ધણધણી હતી. ગુરૂવારે રાત્રે 2:53 વાગ્યે રાપરથી 25 કિ.મી. દૂર પશ્ર્ચિમ-દક્ષિણ-પશ્ર્ચિમ દિશામાં 1.8 અને શુક્રવારે સવારે 9:55 વાગ્યે રાપરથી 15 કિ.મી.ના અંતરે પશ્ર્ચિમ-દક્ષિણ-પશ્ર્ચિમ દિશામાં 2.0ની તીવ્રતા સાથે આંચકો અનુભવાયો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક સમયથી કચ્છ અને સૌરાષ્ટ્રમાં ભૂ-સ્તરીય હિલચાલ ચિંતાજનક રીતે વધી જતાં કોરોનાકાળ વચ્ચે લોકો ભયભીન બની ગયા છે.


Related News

Loading...
Advertisement