અહેમદ પટેલના અવસાનથી ખાલી થયેલી રાજ્યસભાની બેઠક પર ડિસેમ્બરમાં ચૂંટણી થાય તેવી શકયતા

29 November 2020 05:27 PM
Gujarat Politics
  • અહેમદ પટેલના અવસાનથી ખાલી થયેલી રાજ્યસભાની બેઠક પર ડિસેમ્બરમાં ચૂંટણી થાય તેવી શકયતા

બેઠક જીતવા ભાજપે અત્યારથી કવાયત હાથ ધરી

રાજકોટઃ
અહેમદ પટેલના અવસાન બાદ ખાલી પડેલી ગુજરાતની રાજ્યસભાની સીટ પર ડિસેમ્બરમાં ચૂંટણી યોજાઈ શકે છે. એવું માનવામાં આવી રહ્યું છે કે, બિહારમાં કેન્દ્રીય મંત્રી રામવિલાસ પાસવાનના અવસાન બાદ ખાલી પડેલી રાજ્યસભા બેઠક પર ડિસેમ્બરમાં ચૂંટણી યોજાઈ શકે છે. આથી એજ દિવસે ગુજરાતની પણ ખાલી પડેલી રાજ્યસભા બેઠક પર ચૂંટણી યોજવા માટે ભાજપે ચૂંટણી પંચનું ધ્યાન દોર્યું છે.

કોંગ્રેસના દિગ્ગજ નેતા અહેમદ પટેલના અવસાનથી પાર્ટીને ખૂબ મોટી ખોટ પડી છે. અહેમદ પટેલ ગુજરાતથી રાજ્યસભાના સાંસદ હતા. 2017 માં તેઓ જ્યારે આ પદ માટેની ચૂંટણી જીત્યા ત્યારે ભાજપે ભારે ધમપછાડા કર્યા હતા. ખુદ અમિત શાહે અહેમદભાઈને હરાવવા એડીચોટીનું જોર લગાવ્યું હતું. કોંગ્રેસના એક બાદ એક ધારાસભ્યો પાસે રાજીનામાં આપી દીધા હતા. જોકે અમિત શાહની રણનીતિને નિષ્ફળ બનાવી અહેમદભાઈ વિજયી થયા હતા. ગુજરાતમાં ગત બે ટર્મથી લોકસભામાં કોંગ્રેસને એક પણ સીટ મળી નથી. જ્યારે રાજ્યસભામાં અહેમદ પટેલની સાથે 4 સભ્યો હતા. જે ઘટીને હવે શક્તિસિંહ ગોહિલ, નારણ રાઠવા અને અમી યાજ્ઞિક આ ત્રણ સાંસદો રહી ગયા છે. ગુજરાત રાજ્યસભાની કુલ 11 બેઠકોમાંથી 7 સીટો પર ભાજપના અભય ભારદ્વાજ, રમિલાબેન વારા, નરહરિ અમીન, પુરુષોત્તમ રુપાલા, મનસુખ માંડવિયા, એસ જયશંકર અને જુગલજી ઠાકોર સાંસદ છે.

જોકે હવે હાથમાંથી ગયેલી રાજ્યસભાની સીટ માટે ભાજપે કવાયત શરૂ કરી દીધી છે. અહેમદ પટેલના અવસાન બાદ હવે આ સીટ ખાલી પડી છે. સીટની ચૂંટણી આગામી 5 મહિનામાં કરાવવી પડશે. એ માટે ડિસેમ્બરમાં ચૂંટણી યોજાય તેવી શકયતા છે. વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્યોની સંખ્યા જોતા ભાજપને ફાયદો થઈ શકે છે. એવું પણ બને કે, ભાજપને જે પણ ઉમેદવાર ઉભો રહે તે બિનહરિફ ચૂંટાઈ જાય. ઉલ્લેખનીય છે કે, ભાજપના ગુજરાતથી રાજ્યસભાના સાંસદ રહેલા એસ. જય શંકર અને જુગલજી ઠાકોર ઓગષ્ટ 2023માં નિવૃત થશે.


Related News

Loading...
Advertisement