ગોંડલ તા.28
બે માસ પૂર્વે ગોંડલ સબ જેલ 'જલસા ઘર' તરીકે ચર્ચામાં આવી હતી. અહીં અમદાવાદની જડતી સ્કોડ દ્વારા ચેકીંગ હાથ ધરવામાં આવતા મોબાઈલ, ડોંગલ, રોકડ રકમ સહીત જેલમાં અનઅધિકૃત પ્રવેશી બાહુબલી કેદીઓ સાથે ભોજનની મિજબાની માણી રહેલાં છ શખ્સો ઝડપાયા હતા. આ મામલે હવે જેલર અને પાંચ સિપાઇ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
મળતી વિગત મુજબ ચર્ચાસ્પદ બનેલી ગોંડલ સબજેલમાં બે માસ પુર્વે અમદાવાદની જડતી સ્કોડ દ્વારા ચેકીંગ હાથ ધરવામાં આવતા મોબાઈલ, ડોંગલ, રોકડ રકમ સહીત જેલમાં અનઅધિકૃત પ્રવેશી બાહુબલી કેદીઓ સાથે ભોજનની મિજબાની માણી રહેલાં છ શખ્સો મળી આવ્યા હતા જેમની સામે ફરીયાદ થયાની ઘટનાંમાં જેલ તંત્ર દ્વારા રહી રહી ને જેલને જલ્સાઘર બનાવનાર જેલર ડી.કે.પરમાર તથા પાંચ સિપાઇઓને સસ્પેન્ડ કરાયા છે. જડતી સ્કોડ ની રેડ વેળાએ જેલમાં ચાલતી ગેરરીતિઓ બહાર આવી હતી. અને સ્કોડની હાજરીમાં જ અનઅધિકૃત મુલાકાતીઓને જેલ નો દરવાજો ખોલી દઇ ભગાડી દેનારા ગેઇટ પરના સિપાઇને તે સમયે જ તત્કાલ પગલાં લઈ સસ્પેન્ડ કરી દેવાયો હતો. હવે જેલર સહીત અન્ય પાંચ સિપાઇઓને સસ્પેન્ડ કરાયાં છે.
ગેંગસ્ટર નિખીલ દોંગાને જેલમાં તમામ સવલતો પુરી પાડવામાં જેલર પરમારનો મહત્વનો રોલ હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યા બાદ ગોંડલ સિટી પોલીસ મથકે જેલર ડી.કે.પરમાર સામે ફરીયાદ દાખલ થઈ હતી. જેલરે અદાલતમાં આગોતરા જામીન માટે અરજી કરી હતી પણ અદાલતે તે નામંજૂર કરી હતી. છેલ્લા દોઢ માસથી જેલર પરમાર પોલીસ પક્કડથી દૂર ભૂગર્ભમાં ઉતરી ગયાં છે. હવે જેલ તંત્ર દ્વારા જેલરને સસ્પેન્ડ કરી દેવાયાં હોય સબજેલ પ્રકરણ વધું ચકચારી બન્યું છે. ઉલ્લેખનીય છે કે, રાજકોટ રૂરલ પોલીસે નિખીલ દોંગા અને તેના સાગરીતો સામે ગુજસીટોક હેઠળ ગુનો નોંધ્યો છે.