રાજકોટના ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલ અગ્નિકાંડની તપાસ પુંજ કમિશનને સોંપતા મુખ્યમંત્રી રૂપાણી

28 November 2020 08:45 PM
Rajkot Gujarat
  • રાજકોટના ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલ અગ્નિકાંડની તપાસ પુંજ કમિશનને સોંપતા મુખ્યમંત્રી રૂપાણી

પુંજ કમિશન અમદાવાદની શ્રેય હોસ્પિટલના અગ્નિકાંડની તપાસ પણ કરી રહ્યું છે

રાજકોટઃ
બે દિવસ પૂર્વે મોડી રાત્રે રાજકોટની ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં ભયાનક અગ્નિકાંડની ઘટના બની હતી. હવા આ ઘટનાની ન્યાયિક તપાસ ગુજરાત હાઇકોર્ટના નિવૃત્ત જજ કે.એ. પુંજને સોંપવાનો નિર્ણય મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ લીધો છે. ઓગષ્ટ મહિનામાં અમદાવાદની શ્રેય હોસ્પિટલમાં લાગેલી આગની ઘટનાની તપાસ પણ જસ્ટિસ પુંજ કમિશન કરી રહ્યું છે.

સોમવારે મોડી રાત્રે રાજકોટના આનંદ બંગલા ચોકમાં આવેલી ગોકુલ હોસ્પિટલ સંચાલિત ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલના આઇસીયુ વોર્ડમાં લાગેલી આગમાં પાંચ કોરોના દર્દી જીવતા ભૂંજાયા હતા. કોરોનાથી જીવ બચાવવા સારવાર માટે હોસ્પિટલમાં દાખલ થયેલા દર્દીઓએ મોટી રકમ ચૂકવી હોવા છતાં તેમને મોત મળ્યું હતું. આ આગ અંગે કહેવામાં આવી રહ્યુ છે કે નબળા વાયરિંગના લીધે આ આગ લાગી હતી. જોકે, સાચી હકીકત તપાસનો રીપોર્ટ આવ્યા બાદ ક સામે આવશે.

ઘટના બન્યા બાદ તુરંત રાત્રે જ મુખ્યમંત્રી કલેકટર પાસેથી વિગતો મેળવી હતી અને પંચાયત વિભાગના અધિક મુખ્ય સચિવ એ.કે. રાકેશને તાત્કાલિક રાજકોટ જવા રવાના કરીને ઘટનાના મુળ સુધી જવા સૂચનાઓ આપી હતી. અધિકારી રાકેશ રાજકોટ ખાતે પહોંચીને જરૂરી તપાસ કરી રહ્યા છે. જેનો આગામી ત્રણ દિવસમાં રિપોર્ટ મેળવશે. FSLની ટીમ પણ ગાંધીનગરથી દોડી આવી હતી અને નમૂના લીધા હતા. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ આગની દુઘર્ટનામાં મુત્યુ પામનારા પ્રત્યેક દર્દીના વારસદારને ચાર લાખ રૂપિયાની સહાય આપવાની જાહેરાત કરી છે. ત્યારે જ આજે આગળની વધુ તપાસ પુંજ કમિશનને સોંપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, ગત તા. 6 ઓગષ્ટના રોજ અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં આવેલી શ્રેય કોવિડ હોસ્પિટલના આઇસીયુમાં આગ લાગી હતી. જેમાં સારવાર લઈ રહેલા 8 કોરોના દર્દી જીવતા ભૂંજયા હતા. મૃતકોમાં 5 પુરુષ અને 3 મહિલાનો સમાવેશ થતો હતો. ત્યારબાદ પોલીસ તંત્રએ બેદરકારીના આરોપસર હોસ્પિટલના ટ્રસ્ટી ભરત મહંતની ધરપકડ કરી હતી. આ ઘટનાની તપાસ પણ જસ્ટિસ પુંજ કમિશન કરી રહ્યું છે.

ઘટનાના દિવસે જ પીએમ નરેદ્ર મોદીથી લઇને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ દુખ વ્યક્ત કર્યુ હતું. બીજીતરફ રાજકોટના અગ્નિકાંડના પડઘા દિલ્હીમાં પડ્યા હતા. અને સુપ્રીમ કોર્ટ સુઓમોટો નોંધ લઈ આકરી ટિપ્પણીઓ કરી હતી.


Related News

Loading...
Advertisement