નવી દિલ્હી તા.28
નેશનલ હાઇ સ્પીડ રેલ કોર્પોરેશન (એનએચએસઆરસીએલ)એ ગુરૂવારે લાર્સન એન્ડ ટુબ્રો (એલ એન્ડ ટી) કંપની સાથે અમદાવાદ-મુંબઇ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટેના રૂપિયા 25,000 કરોડના કોન્ટ્રાક્ટ પર હસ્તાક્ષર કર્યા હતા. બાંધકામ કંપનીએ જણાવ્યું હતું કે પ્રોજેક્ટનું કામ શરૂ કરવા તે કામદારોને તૈનાત કરી ચૂકી છે. એનએચએસઆરસીએલ દ્વારા આ રાહે ગુજરાતમાં બુલેટ ટ્રેનની 325 કિ.મી. લાઇન તૈયાર કરવા એલ એન્ડ ટીને કોન્ટ્રાક્ટ આપ્યો છે.
જાપાની ટેક્નોલોજી ટ્રાન્સફર થશે : જાપાનના રાજદૂત
આ પ્રસંગે જાપાનના ભારત ખાતેના રાજદૂત સંતોષ સુઝુકીએ જણાવ્યું હતું કે આ મહાકાય માળખાકીય સુવિધા માટેનો કોન્ટ્રાક્ટ એવા સમયમાં અપાઇ રહ્યો છે કે જ્યારે આર્થિક પ્રવૃત્તિને વેગ આપવાની જરૂર છે. તેમણે જણાવ્યું હતું કે તે આ સાથે માત્ર જાપાની ટેકનોલોજી ભારતમાં ટ્રાન્સફર નહીં થાય પરંતુ કોરિડોરમાં શહેરી વિકાસ પણ થશે.
વધુ સાત રૂટ પર કામ હાથ ધરાશે
રેલવેના સીઇઓ અને ચેરમેન વી.કે.યાદવે જણાવ્યું હતું કે પ્રથમ બુલેટ ટ્રેન પૂરો થયા પછી સરકાર સાત વધુ રૂટ માટે ટ્રેન કોરિડોર તૈયાર કરવાની કામગીરી હાથ ધરશે. તેને કારણે માત્ર ઇજનેરો, ટેકનિશિયન, ડિઝાઇનર અને આર્કિટેક માટે જ રોજગારી સૃજન નહીં થાય પરંતુ કુશળ અને બિનકુશળ કામદારો માટે પણ રોજગારીની તક ઊભી થશે.