પીઓકેમાં વિદ્રોહ ફાટી નીકળ્યો

28 November 2020 06:22 PM
India World
  • પીઓકેમાં વિદ્રોહ ફાટી નીકળ્યો

ઇમરાન ખાન સરકાર સામે 11 વિપક્ષોનો મોરચો : લોકોએ રસ્તા ઉપર ઉતરીને આક્રમક પ્રદર્શનો શરૂ કર્યા

ઇસ્લામાબાદ તા.28
પાકિસ્તાનમાં ઈમરાન ખાનની સરકાર સામે 11 વિપક્ષોએ મોરચો માંડયો છે. આખાય પાકિસ્તાનમાં વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા છે. એ બધા વચ્ચે પીઓકેમાં પણ પાકિસ્તાન સરકારનો વિરોધ ઉઠયો છે.

પીઓકેમાં રહેતા નાગરિકોએ હિંસક અને આક્રમક પ્રદર્શનો કરીને સરકારનો વિરોધ કર્યો હતો. પાકિસ્તાને પચાવી પાડેલા કાશ્મીરમાં પાક.સરકારનો વિરોધ ઉઠયો છે. ગિલગિટ બાલ્ટિસ્તાનના લોકોએ સરકારી કચેરીઓમાં આગ ચાંપીને વિરોધ પ્રદર્શનો શરૃ કર્યા છે. ગિલગિટ બાલ્ટિસ્તાનના લોકોએ પાકિસ્તાન સરકારોએ અન્યાય કર્યો હોવાની લાગણી સાથે વિરોધ આદર્યો છે. આ પ્રાંતના નાગરિકોએ સરકારના વિરોધમાં નારેબાજી કરીને સ્પષ્ટ મિજાજ બતાવ્યો હતો.

પાકિસ્તાન લશ્કરે આ વિરોધ દબાવી દેવાની મથામણ આદરી છે, પરંતુ લોકોમાં પાક. સૈન્ય માટે પણ ભારે આક્રોશ છે. ઈમરાન ખાનના પુતળાં બાળવાની સાથે સાથે સૈન્યની વિરોધમાં પણ લોકોએ સૂત્રોચ્ચાર કર્યો હતો. પાકિસ્તાન સરકારે થોડાં સમય પહેલાં ગિલગિટ બાલ્ટિસ્તાન વિસ્તારને દેશનો પાંચમો સુબો જાહેર કર્યો હતો. એ વખતથી જ લોકો રોષે ભરાયા હતા. લોકોએ જ પાક. સરકારના એ નિર્ણયનો વિરોધ કર્યો હતો.

આ વખતેના વિરોધમાં ફરીથી એ માગણી ઉઠી છે કે ગિલગિટ બાલ્ટિસ્તાનને લઈને ઈમરાન ખાનની સરકાર કોઈ જ નિર્ણય ન કરે. ગિલગિટ બાલ્ટિસ્તાનના લોકોમાં સરકાર સામે ભારે વિરોધ અવારનવાર ઉઠતો રહે છે. આ વખતે 11 વિપક્ષોએ મોરચો માંડયો હોવાથી ગિલગિટ બાલ્ટિસ્તાનના લોકોને ફરીથી વિરોધ પ્રદર્શનની તક મળી હતી. ઈન્ટેલિજન્સ અહેવાલો પ્રમાણે ગિલગિટ બાલ્ટિસ્તાનમાં લોકોએ ભારે વિદ્રોહી મિજાજ બતાવીને વિરોધ શરૃ કર્યો છે.


Related News

Loading...
Advertisement