અભિનેત્રી વિદ્યા બાલને ડિનરનું આમંત્રણ ન સ્વીકાર્યુ તો... બીજા દિવસે શૂટીંગ રોકી દેવાયુ!

28 November 2020 06:09 PM
India Top News
  • અભિનેત્રી વિદ્યા બાલને ડિનરનું આમંત્રણ ન  સ્વીકાર્યુ તો... બીજા દિવસે શૂટીંગ રોકી દેવાયુ!

મઘ્યપ્રદેશનાં વનમંત્રી વિજય શાહએ પાવરનો પરચો બતાવ્યો

ભોપાલ તા.28
મધ્ય પ્રદેશના વનમંત્રી વિજય શાહે પોતાના પાવરનો પરચો બતાવ્યાના સમાચાર આવ્યા છે. થયું એવું કે વિજય શાહે પોતાને ત્યાં શૂટિંગ કરી રહેલી અભિનેત્રી વિદ્યા બાલનને ડિનર માટે આમંત્રણ આપ્યું હતું, જેનો વિદ્યા બાલને અસ્વીકાર કર્યો હતો. પરિણામ એ આવ્યું કે બીજા જ દિવસે ત્યાંના ડીએફઓએ ફિલ્મના શૂટિંગના યુનિટની ગાડીઓ અટકાવી દીધી.

જોકે, વાત વધી અને ’ઉપર’ સુધી પહોંચી ત્યારે શૂટિંગના યુનિટને ફરી પાછું ગ્રીન સિગ્નલ મળી ગયું. વિદ્યા બાલન પોતાની ’શેરની’ ફિલ્મના શૂટિંગ માટે ત્યાંના બાલાઘાટ પહોંચી હતી. શેરની ફિલ્મના શૂટિંગ માટે બાલાઘાટમાં 20 ઑક્ટોબરથી 21 નવેમ્બર સુધીની મંજૂરી લેવામાં આવી હતી. આ દરમિયાન વનમંત્રી વિજય શાહે વિદ્યા બાલન સાથે મુલાકાત કરવાની ઈચ્છા વ્યક્ત કરી. આ માટે 8 નવેમ્બરે સવારે 11થી 12 વાગ્યાનો સમય નક્કી થયો હતો.

ત્યાર પછી સાંજે ચાર વાગ્યે વનમંત્રીને મહારાષ્ટ્રના તાડોબા અંધારી ટાઇગર રિઝર્વ જવાનું હતું અને ત્યાં જ તેમને રાતવાસો પણ કરવાનો હતો. પરંતુ તેઓ બાલાઘાટ જિલ્લામાં જ ભરવેલી ખાતેના રેસ્ટ હાઉસમાં રોકાઈ ગયા. સાંજે પાંચ વાગ્યે તેઓ સીધા વિદ્યા બાલનને મળવા પહોંચી ગયા અને મુલાકાત કરીને તેની સાથે ડિનર કરવાની ઇચ્છા વ્યક્ત કરી. જોકે વિદ્યા બાલન મહારાષ્ટ્રના ગોંદિયામાં રોકાઈ હતી,

એટલે ત્યાં જવા નીકળવા માટે એણે મંત્રીજી સાથે ડિનર કરવાની ના પાડી દીધી. આનું રિએક્શન બીજા જ દિવસે જોવા મળ્યું. બીજા દિવસે ફિલ્મના શૂટિંગના સભ્યો જ્યારે રોજની જેમ લોકેશન પર પહોંચ્યા ત્યારે ત્યાંના ડિસ્ટ્રિક્ટ ફોરેસ્ટ ઑફિસર જી. કે. બરકડેએ ફિલ્મના યુનિટની ગાડીઓ અટકાવી દીધી. શૂટિંગ અટકી પડ્યું. વાત વધી અને ઉપરી અધિકારીઓ સુધી વાત પહોંચતાં જ આદેશો છૂટ્યા અને ત્યારબાદ શૂટિંગ શરૂ થઈ શક્યું.


Related News

Loading...
Advertisement