માર્કેટયાર્ડમાં મગફળીની હરરાજી ખોરવાઈ: કરફયુ પાસના મુદે મજુરો હડતાળ પર ઉતરી ગયા

28 November 2020 05:54 PM
Rajkot
  • માર્કેટયાર્ડમાં મગફળીની હરરાજી ખોરવાઈ: કરફયુ પાસના મુદે મજુરો હડતાળ પર ઉતરી ગયા

મધરાત સુધી કામ ચાલે છે, ઘેર જતી વખતે પોલીસ અટકાવે છે: કા કામકાજ વ્હેલા કરો કે પાસની વ્યવસ્થા કરો: માંગણી

રાજકોટ તા.28
રાજકોટ માર્કેટયાર્ડમાં આજે સવારે મજુરોને ઓચિંતી હડતાળ પાડી દેતા મગફળીની હરરાજી ખોરવાઈ ગઈ હતી. ખેડુતામાં દેકારો બોલી ગયો હતો. રાત્રી કરફયુને કારણે થતી હાલાકી સામે મજુરો વિફર્યા હતા.

મગફળીનો જંગી પાક હોવાના કારણોસર યાર્ડમાં ઢગલા થાય જ છે અને માંડ અઠવાડિયામાં એક વખત આવક છુટ્ટ આપવામાં આવે છે. રાજકોટ યાર્ડમાં સરેરાશ 15000 ગુણીના વેપાર થતા હોય છે. સવારે હરરાજી પત્યા બાદ વજન ભરવા જેવી અન્ય કામગરી મોડીરાત સુધી ચાલતી હોય છે. પરંતુ રાત્રી કરફયુને કારણે મજુરોએ વ્હેલુ નીકળી જવુ પડતી હોવાની નોબત આવતા કામકાજને અસર થઈ છે.

સૂત્રોએ કહ્યું કે રાત્રે 9 વાગ્યે કરફયુ લાગી જતો હોવાથી મજુરોએ મોડામાં મોડુ 8 વાગ્યે કામકાજ સંકેલી લેવાનું સૂચવ્યું હતું. સામાન્ય રીતે 10-12 વાગ્યા સુધી ભરાઈ-લોડીંગની કામગીરી ચાલતી હોય છે. 8 વાગ્યા સુધીમાં થઈ શકે તેટલો માલ જ લેવા વેપારીઓને અલ્ટીમેટમ આપ્યુ હતું. આ બાબત શકય ન હતી ત્યારે આજે સવારે એકાદ કલાક હરરાજી થયા બાદ મગફળીના મજુરો હડતાળ પર ઉતરી ગયા હતા.

કરફયુ પાસ અથવા સમયસર કામ પુરા કરવાનો માર્ગ ન નીકળે ત્યાં સુધી કામે નહી ચડવાનું જાહેર કર્યુ હતું. મજુર હડતાળને પગલે યાર્ડમાં દોડધામ થઈ ગઈ હતી અને મામલે સતાવાળાઓ સુધી પહોંચ્યો હતો. કરફયુ પાસની વ્યવસ્થા કરવા બાંહેધરી આપવામાં આવી હતી. જો કે પાસ ન નીકળે ત્યાં સુધીકામ કરવા મજુરો તૈયાર ન હતા. આજે શરૂઆતની એકાદ કલાક બાદ હરરાજી ખોરવાયેલી જ હતી.

કાલે રવિવાર છે. સોમવાર સુધીમાં કોઈ હલ નીકળે છે કે કેમ તેના પર મીટ માંડવામાં આવી રહી છે. સૂત્રોના કહેવા પ્રમાણે યાર્ડમાં હજુ 50 હજાર ગુણીથી વધુ મગફળીનો ઢગલો છે. હડતાળ ખત્મ ન થતા ખેડુતોના માલના વેચાણમાં તથા નવી આવક છુટ્ટમાં વધુ ઢીલ થવાની ભીતિ છે.

યાર્ડ પાસ ઈસ્યુ કરશે; પોલીસ સિકકા મારી દેશે: માર્ગ કઢાયો
માર્કેટયાર્ડના સેક્રેટરી તેજાણીએ કહ્યું કે મોડીરાત સુધી કામ કરતા મજુરોને યાર્ડ તરફથી પાસ કાઢી દેવા તથા તેના પર પોલીસનો સિકકો મરાવી દેવાનો માર્ગ કાઢવામાં આવ્યો છે. આજે તો શરુઆતમાં હરરાજી થયા બાદ હડતાળ જ રહી હતી. હવે સોમવારે હરરાજી સહિતના કામકાજ શકય બનશે. મગફળીમાં હરરાજી પછીની કામગીરીમાં મજુરોને 10-12 વાગી જતા હોય છે અને કરફયુને કારણે ઘેર જવામાં તકલીફ પડે છે.


Related News

Loading...
Advertisement