કોરોના બેફામ : ફરી સપ્ટેમ્બર જેવી સ્થિતિ : આજે ફરી કેસમાં મોટો ઉછાળો

28 November 2020 05:52 PM
Rajkot
  • કોરોના બેફામ : ફરી સપ્ટેમ્બર જેવી સ્થિતિ : આજે ફરી કેસમાં મોટો ઉછાળો

શહેરમાં ગઇકાલે વધુ 95 કેસ નોંધાયા બાદ આજે બપોર સુધીમાં ફરી 35 કેસ : કુલ આંક 10663 : રાજકોટમાં ચાલતા સર્વેમાં શરદી, ઉધરસ, તાવના દર્દીની સંખ્યા 212 થઇ ગઇ : ટેસ્ટ કરાવવા સલાહ : શુક્રવારે વધુ 11 હજાર લોકો સહિત આજ સુધીમાં 10.10 લાખ ઓપીડીનો પણ આરોગ્ય તંત્રનો દાવો : 104 હેલ્પલાઇન પર કોલ વધીને 206 થયા : 108 ઉપર પણ 46 નાગરીકોએ મદદ માંગી : રામધામ, ગુલાબનગર, ગંગદેવ પાર્ક, રામકૃષ્ણનગર રોયલપાર્ક, વાંકાનેર-મહાવીર સોસા.માં પ્રતિબંધિત ઝોન

રાજકોટ, તા.28
રાજકોટમાં કોરોનાની સ્થિતિ ફરી સપ્ટેમ્બર જેવી બની ગયાનું ચિત્ર ઉપસી રહ્યું છે. ગઇકાલે ફરી ચાલુ મહિનાના ખુબ ઉંચા એટલા 24 કલાકના 95 કેસ નોંધાયા બાદ ફરી આજે બપોર સુધીમાં નવા 35 કેસ નોંધાય જતા આજનો આંકડો પણ આટલો જ રહે તેવું લાગી રહ્યું છે.

રાજકોટમાં તહેવારો બાદ વધેલા સંક્રમણના પગલે રીકવરી રેટમાં સામાન્ય ઘટાડો અને પોઝીટીવીટી રેટમાં સામાન્ય વધારો દેખાયો છે. આ સાથે રાજકોટમાં આજ સુધીમાં કોરોનાનો કુલ દર્દીઓનો આંકડો 10663 થયો છે. રાજકોટમાં કોરોનાની સ્થિતિ જેટલી જાહેર થાય છે તેથી વધુ ખરાબ હોવાનું હવે ફિલ્ટર આંકડાઓ ઉપરથી પણ લાગે છે. ગઇકાલે 104 પર કોલ બસ્સોને વટાવી ગયા હતા.

તો અત્યાર સુધીમાં 10 લાખથી વધુ લોકોની (રીપીટ સહિત) ઓપીડી થઇ ગયાનું તંત્ર જાહેર કરે છે. આથી શિયાળામાં વધુ ચિંતા નહીં થાયને તેવા સવાલ ઉઠયા છે. શહેરમાં ગઇકાલની સ્થિતિએ 683 દર્દી હોસ્પિટલમાં સારવાર હેઠળ હોવાનું તંત્ર કહે છે. જોકે હોમ આઇસોલેશનવાળા દર્દીઓની સંખ્યા જાહેર કરવામાં આવતી નથી. શુક્રવારે 3658 ટેસ્ટ કરવામાં આવતા ર.પ9 ટકા એટલે કે 9પ દર્દી પોઝીટીવ દર્દી મળ્યા હતા.

તો 81ને રજા આપવામાં આવી હતી. આજે બપોર સુધીમાં નોંધાયેલા નવા કેસ વચ્ચે મહાનગરમાં આજ સુધીના કુલ ડિસ્ચાર્જ દર્દીઓનો આંકડો 9772 થયો છે. 91.94 ટકા રીકવરી રેટ છે. અત્યાર સુધીમાં કરાયેલા કુલ 428530 ટેસ્ટમાં ર.48 ટકા પોઝીટીવીટી રેશીયો નોંધાઇ રહ્યો છે. દરમ્યાન શહેરમાં વધુ 70 માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા છે.

તેમાં કાલાવડ રોડ પર રામધામ સોસા., માસ્તર સોસા. પાસે ગુલાબનગર, 150 ફુટ રોડ પર ગંગદેવ પાર્ક, વિરાણી ચોકમાં રામકૃષ્ણનગર, બિગ બઝાર પાછળ, ગુલાબ વિહાર સોસા., કાલાવડ રોડ પર રોયલ પાર્ક, ભાવનગર રોડ પર ગંજીવાડા, જામનગર રોડ પર વાંકાનેર સોસા., નિર્મલા રોડ પર મહાવીર સોસા., કોઠારીયા રોડ પર શ્રીનગરનો સમાવેશ થાય છે.

જ્યારે સઘન સર્વેવાળા વિસ્તારમાં લાખનો બંગલો, સત્યનારાયણ નગર, ચુડાસમા પ્લોટ, કિરણ સોસા., નંદનવન, રણછોડનગર, ગઢીયાનગર, ચંપકનગર, જાગનાથ પ્લોટ, મનહર પ્લોટ, નર્મદા પાર્ક, હરીનગર, સ્વાતિ સોસા., સગુન રેસી., આલાપ રોયલ પામ, સહજાનંદનગર, ગુંદાવાડી, મિલપરા, શિવસાગર વગેરેનો સમાવેશ થાય છે.

મહાનગરમાં ગઇકાલે વધુ પ3618 લોકો સહિત આજ સુધીમાં 32.19 લાખ લોકોનો સર્વે કર્યાનો તંત્રનો દાવો છે. ગઇકાલે ફરી ખુબ મોટી સંખ્યામાં એટલે કે 212 લોકો શરદી, તાવ, ઉધરસના મળ્યા હતા. થોડા દિવસો પહેલા આ આંકડો 10-20 વચ્ચે જ રહેતો હતો. અત્યાર સુધીમાં ધન્વંતરી રથ દ્વારા કરાયેલી ઓપીડીનો આંકડો પણ 10.10 લાખ થઇ ગયો છે. ગઇકાલે 11162 લોકોની ઓપીડી કરાઇ હતી.

તો આરોગ્ય કેન્દ્રોમાં 2082 લોકોએ દવા લીધી હતી. ગઇકાલે 104 હેલ્પલાઇન પર કોલ પણ વધીને ર06 આવ્યા હતા તો 108 પર 46 રજુઆત આવી હતી. આ રીતે વધતા સર્વે સાથે શરદી, તાવ, ઉધરસના દર્દી વધવા, ઓપીડીમાં વધારો, 104 પર કોલમાં વધારો પણ રાજકોટની સ્થિતિનું ચિત્ર રજુ કરે છે. જિલ્લા તંત્ર દ્વારા 1945 જેટલા બેડ ખાલી હોવાની માહિતી નિયમિત જાહેર કરવામાં આવે છે.

હેરસલુન સંચાલકોના પણ કોરોના ટેસ્ટ કરાયા
મહાપાલિકા દ્વારા આજે વેસ્ટ ઝોન કચેરી ખાતે હેરસલુન સંચાલકો માટે કોરોના ટેસ્ટીંગ કેમ્પ યોજવામાં આવ્યો હતો. સલુનથી માંડી નાની દુકાન ધરાવતા વાળંદ ભાઇઓના એન્ટીજન ટેસ્ટ કરવામાં આવ્યા હતા.


Related News

Loading...
Advertisement