વલસાડ, તા.27
રાજ્યમાં વધતા કોરોના સંક્રમણના કારણે લગ્ન પ્રસંગમાં મહેમાનોની હાજરી ઘટાડી 100 વ્યક્તિની કરાઈ છે. અને લગ્નમાં પણ જરૂર પડ્યે ટેસ્ટ કરવાની તંત્રએ તૈયારીઓ રાખી છે. આવા સમયે વલસાડથી એક કિસ્સો સામે આવ્યો છે જેમાં લગ્ન કરવા જઈ રહેલી દુલ્હનનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવતા તેણીને હોમ ક્વોરન્ટાઈન કરવામાં આવી છે. મળતી વિગત મુજબ વલસાડના મોટા બજાર વિસ્તારમાં રહેતી એક યુવતીના લગ્ન મુંબઈના યુવક ગઈકાલે શુક્રવારે યોજાયા હતા. લગ્ન પહેલા દુલ્હન અને તેમના પરિવારજનો 10 નવેમ્બરે મુંબઈ ખરીદી કરવા ગયા હતા. અન્ય રાજ્યની વીઝીટ હિસ્ટ્રી હોવાના કારણે વલસાડ આરોગ્ય વિભાગની ટીમે મુંબઈ ગયેલી દુલ્હન સહિતના લોકોનો કોરોના ટેસ્ટ કર્યો કર્યો હતો. જ્યારે દુલ્હનને લક્ષણો જણાતા આરટીપીસીઆર ટેસ્ટ કરવામાં આવ્યો હતો. હવે લગ્નના દિવસે જ વિધિ પૂર્ણ થઈ ત્યારે જ દુલ્હનનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવતા આરોગ્ય વિભાગ લગ્ન સ્થળે પહોંચી ગયું હતું. અને ક્ધયાને સાસરે વિદાય આપવના બદલે પિતાના ઘરે જ હોમ આઇશોલેટ કરવામાં આવી હતી. દુલ્હન કોરોના પોઝીટીવ હોવાની જાણ થતાં લગ્નમાં હાજર રહેલા લોકોમાં ફફડાટ ફેલાયો હતો.