રાજકોટ તા.28
રાજકોટમાંથી વધુ એક વાર સ્પાના ઓઠા હેઠળ ચાલતું કુટણખાનુ ઝડપાયું છે. પોલીસે દરોડો પાડી એક શખ્સની ધરપકડ કરી છે, અને દેહવ્યાપારના દલદલમાં ફસાયેલી ત્રણ પરપ્રાંતિય યુવતીઓને મુક્ત કરાવવામાં આવી છે. પોલીસે સ્થળ પરથી 2 મોબાઈલ ફોન, સીસીટીવી કેમેરાનું ડીવીઆર, સ્પાની રજીસ્ટર બુક અને રોકડ રકમ મળી રૂ.11000નો મુદ્દામાલ તપાસ માટે જપ્ત કર્યો છે. પૂછપરછમાં એક શખ્સનું નામ ખુલતા તેને પકડવા શોધખોળ હાથ ધરવામાં આવી છે.
વિસ્તૃત વિગત મુજબ ક્રાઇમ બ્રાન્ચના ઇન્ચાર્જ એસીપી વી.કે.ગઢવીના માર્ગદર્શન હેઠળ એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટના પીએસઆઈ એમ.એસ.અંસારી, એ.એસ.આઈ હરપાલસિંહ, હેડ.કોન્સ બકુલભાઈ, કોન્સ્ટેબલ મહંમદ અઝરુદ્દીનભાઈ, મહિલા કોન્સ્ટેબલ સોનાબેન મુળીયા, ભૂમિકાબેન ઠાકર પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમી મળી હતી કે, 150 ફૂટ રિંગ રોડ પર મવડી રોડ નજીક ન્યૂ જલારામ સોસાયટીમાં આવેલી આઈ.સી.આઈ.સી.આઈ બેંક પાસે આવેલા નીલા સ્પા" નામના મસાજ-સ્પા સેન્ટરમાં સ્પાના ઓઠા હેઠળ દેહવ્યાપારનો ધંધો ચાલે છે.
બાતમીના આધારે પોલીસે દરોડો પડતા નીલા સ્પામાંથી જયપુર(રાજસ્થાન), દિલ્હી, મણીપુર રાજ્યની 3 યુવતીઓ મળી આવી હતી. તપાસમાં જાણવા મળ્યું હતું કે, સ્પા સંચાલક એક ગ્રાહક દીઠ રૂ.2300 લેતો હતો, અને યુવતી પાસે ગ્રાહકને મસાજ કરવા તથા શરીર સંબંધ બંધાવા મજબુર કરતો હતો. બાદમાં ભોગબનાર યુવતીઓને રૂ.2300માંથી રૂ.1500 આપતો હતો અને અને 800 રૂપિયા પોતે રાખતો હતો. સ્પામાંથી કોન્ડોમનો જથ્થો પણ મળી આવ્યો હતો.
પોલીસે આરોપી દીપેનભાઇ રૂપબહાદુર રાવલ (ઉ.વ.22, રહે. સાધુવાસવાણી રોડ, ક્રિષ્ના હોસ્પિટલ પાસે માનસ એપાર્ટમેન્ટ)ની ધરપકડ કરી હતી. તપાસમાં સંદીપ નામના શખ્સનું નામ ખુલ્યું છે. જેને પકડવા પોલીસે ચક્રોગતિમાન કર્યા છે. સ્પામાંથી બે મોબાઈલ ફોન, રોકડ રૂપીયા 5700, એક ડી.વી.આર., રજીસ્ટર, સ્પાનની પહોંચ બુક સહિત રૂ.11200નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે.