રાજકોટ, તા.28
સૌરાષ્ટ્રની રણજી ટીમના પૂર્વ ખેલાડી અને ભાવનગર નિવાસી ભુપેન્દ્રભાઈ શાહનું આજે 84 વર્ષની વયે નિધન થતાં ક્રિકેટ જગતમાં ઘેરો શોક વ્યાપી જવા પામ્યો છે. ભુપેન્દ્રભાઈ શાહ સ્ટાઈલીશ જમોણી બેટસમેન હતા અને તેઓ ભાવનગરની સિનિયર ડિસ્ટ્રિક્ટ ટીમના કેપ્ટન તરીકે પણ શાનદાર રમતનું પ્રદર્શન કર્યું હતું. આ ઉપરાંત તેઓ 1962-63ની રણજી સીઝનમાં સૌરાષ્ટ્રની 15 ખેલાડીઓની સ્કવોડમાં પણ પસંદગી પામ્યા હતા. ભુપેન્દ્રભાઈ શાહ સફળ બિઝનેસમેન તરીકે પણ સૌરાષ્ટ્ર-ગુજરાતમાં જાણીતા હતા. તેમના નિધન પર સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશને સાંત્વના પાઠવી ભુપેન્દ્રભાઈના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી હતી.