સુરત તા.28
સુરત જિલ્લાના બારડોલી નજીક હાઇવે પર એક ખાનગી બસ આજે પલ્ટી મારી જતાં 15 જેટલા મુસાફરોને ઇજા પહોંચી હોવાનું જાણવા મળ્યું છે. ટ્રાવેલ્સ ભુસાવલથી અમદાવાદ તરફ જઇ રહી હતી. ત્યારે અકસ્માત સર્જાયો હતો. ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલે ખસેડાયા હતા. મળતી વિગતો મુજબ 30 જેટલા મુસાફરોને લઇ એક ખાનગી બસ ભુસાવલથી અમદાવાદ તરફ આવી રહી હતી. ત્યારે સવારે ત્રણેક વાગ્યા આસપાસ સુરતના બારડોલી-પલસાણા હાઇવે પર આવેલા બ્રીજ નજીક બસના ડ્રાયવરે સ્ટિરીંગ પરથી કાબુ ગુમાવતા બસ પલ્ટી મારી ગઇ હતી. ઘટનાની જાણ થતા જ પોલીસ કાફલો દોડી આવ્યો હતો. આ તરફ બચાવ કામગીરી માટે ફાયર વિભાગને પણ જાણ કરાઇ હતી. અને બસમાંથી પેસેન્જરોને બહાર કાઢવામાં આવ્યા હતા. જેમાં 15 જેટલા મુસાફરોને નાની-મોટી ઇજા થઇ હોવાનું જણાતા તેઓને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અકસ્માત સર્જાયા બાદ ડ્રાયવર ઘટના સ્થળેથી ફરાર થઇ ગયો હતો. પોલીસે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.