ખંભાળીયા નજીક રસ્તાના ખાડામાં બાઇક ખાબકતા શિક્ષકનું મોત

28 November 2020 03:31 PM
Jamnagar
  • ખંભાળીયા નજીક રસ્તાના ખાડામાં બાઇક ખાબકતા શિક્ષકનું મોત

રસ્તાનું કામ કરતા કોન્ટ્રાકટરની બેદરકારી : બોર્ડ મુકેલા નહી હોવાથી લોકોને ખબર પડતી નથી : ડાયવર્ઝન પણ નહી : પોલીસ દોડી

જામખંભાળીયા તા.28
ખંભાળિયા તાલુકાના બજાણા ગામે રહેતા અને શિક્ષક તરીકે સેવા આપતા માલદેભાઈ ધનાભાઈ ગોજીયા ગામના આશરે 53 વર્ષના પ્રૌઢ ગત તારીખ 10 મીના રોજ તેમના જી.જે. 10 એ.ઈ. 3475 નંબરના મોટરસાયકલ પર બજાણા ગામ પાસેથી પસાર થઈ રહ્યા હતા. ત્યારે આ માર્ગ ઉપર ચાલી રહેલા કામ દરમ્યાન આરોપી કોન્ટ્રાક્ટર દ્વારા નિયમ અનુસાર ડાયવર્ઝન કે વૈકલ્પિક રસ્તો બનાવ્યા વગર અને રોડનો મોટો ભાગ રોકાય તે રીતે ઊંડું ખોદકામ કરવામાં આવ્યું હતું. જેમાં કોન્ટ્રાક્ટર દ્વારા રોડ બંધ કર્યા વગર તથા આડસ અને સાઈન બોર્ડ મુક્યા વગર બેદરકારી દાખવતા માર્ગ પરના આ ખાડાના કારણે બાઈકચાલક માલદેભાઈ ગોજીયા મોટરસાયકલ સાથે અકસ્માતગ્રસ્ત થઇ જતા તેઓ પટકાઈ પડયા હતા. જેના કારણે તેમનું મૃત્યુ નિપજ્યું હતું. આ બનાવ અંગે મૃતકના ભત્રીજા જગદીશભાઈ અરશીભાઈ ગોજીયા (ઉ.વ. 33, રહે. બજાણા) ની ફરિયાદ પરથી ખંભાળિયા પોલીસે અજાણ્યા કોન્ટ્રાક્ટર સામે આઈ.પી.સી. કલમ 304 (એ) મુજબ ગુનો નોંધ્યો છે. આગળની તપાસ અહીંના પી.આઈ. જી.આર. ગઢવી ચલાવી રહ્યા છે.

ભાણવડમાં જાહેરનામાના ભંગ સબબ ચાર સામે કાર્યવાહી
ભાણવડ તાલુકાના વેરાડ ગામે રામદેભાઈ વેજાભાઇ ઓડેદરા નામના 67 વર્ષીય વૃદ્ધે પોતાની વાડીએ આઇ.ડી. પ્રૂફ વગર કામ માટે અન્ય વિસ્તારના મજૂરોને રાખતા આધાર પુરાવા વગર રાખવા સબબ ભાણવડ પોલીસે તેમની સામે જાહેરનામા ભંગની કલમ 188 મુજબ જરૂરી કાર્યવાહી કરી હતી. આ ઉપરાંત શાક બકાલાની લારી ધરાવતા લાખાભાઈ માયાભાઈ સંજોટ (40), ફ્રુટની લારી ધરાવતા રામજીભાઈ ડાયાભાઈ સોલંકી (42), તથા ફતેપુર ગામના દુકાનદાર ડાડુ અરશીભાઈ રાવાલિયા નામના અન્ય ત્રણ આદમીઓ સુપર સ્પ્રેડર કેટેગરીમાં આવતા હોવાથી તેઓએ જરૂરી હેલ્થ કાર્ડ ન નિભાવતા આ ત્રણ આસામીઓ સામે પણ ભાણવડ પોલીસે જાહેરનામા ભંગ સબબ કલમ 188 મુજબ જરૂરી કાર્યવાહી કરી હતી.

ભાણવડ નજીક પીધેલો મોટરકાર ચાલક ઝડપાયો
ભાણવડ નજીક કપુરડી પાટીયા ચેકપોસ્ટ પાસેથી કેફી પીણું પીધેલી હાલતમાં રૂ. દોઢ લાખની કિંમતની જી.જે. 06/ 6286 નંબરની વેગન આર મોટરકારના ચાલક જામજોધપુર તાલુકાના મોવાણ ગામના પ્રફુલ્લ બાબુલાલ હુણ (ઉ. વ. 21) ને ઝડપી લઈ, તેની સામે ભાણવડ પોલીસે આઈ.પી.સી. કલમ 185 મુજબ જરૂરી કાર્યવાહી કરી છે.

વેરાડ ગામની પરિણીતાને ત્રાસ: ભાયાવદર ખાતે રહેતા પતિ સામે ફરિયાદ
ભાણવડ તાલુકાના વેરાડ ગામે રહેતી અને પટેલ રમણીકભાઈ માયાભાઈ કનેરીયાની 26 વર્ષીય પુત્રી મિરલબેન નિલેશભાઈ મારસોણીયાને તેણીના લગ્ન જીવનના એક માસ બાદથી તેણીના ઉપલેટા તાલુકાના ભાયાવદર ખાતે રહેતા પતિ નિલેશભાઈ નારણભાઈ મારસોણીયા અવાર-નવાર શારીરિક તથા માનસિક ત્રાસ આપતા આ અંગે અહીં મહિલા પોલીસ મથકમાં મિરલબેનની ફરિયાદ પરથી તેણીના પરથી નિલેશભાઈ સામે આઇ.પી.સી. કલમ 498 (એ) મુજબ ધોરણસર ફરિયાદ નોંધાઈ છે.

કજુરડા ગામના પ્રૌઢનું અપમૃત્યુ
ખંભાળિયા તાલુકાના કજુરડા ગામે રહેતા ખાનજીભા તખુભા જાડેજા નામના 50 વર્ષીય પ્રૌઢને છાતીમાં દુખાવો ઉપડયા બાદ તેમનું મૃત્યુ નિપજ્યાની જાણ તેમના ભાઈ ચંદુભા તખુભા જાડેજાએ અહીંની પોલીસને કરતાં પોલીસે અકસ્માત મૃત્યુ અંગેની નોંધ કરી છે.


Loading...
Advertisement