તહેરાન,તા. 28
ઇરાનના ટોચના પરમાણુ વૈજ્ઞાનિક મોહસીન ફખરીજાહેદની હત્યાથી પશ્ર્ચિમ એશિયામાં ઇઝરાયલ સાથે યુધ્ધના વાદળો ઉભા થવા લાગ્યા છે. ઇરાને આ હત્યાકાંડ માટે ઇઝરાયલને જવાબદાર ઠેરવ્યું છે.ઇરાનના પરમાણુ બોંંબ કાર્યક્રમના જનક માનવામાં આવતા ટોચના વૈજ્ઞાનિકની ગઇકાલે તહેરાનમાં ધોળે દિવસે હત્યા કરવામાં આવી હતી. જેમાં ઇઝરાયલની જાસૂસી એજન્સી મોસાદને જવાબદાર ગણાવામાં આવી રહી છે. તેમની કાર ઉપર આડેધડ ગોળીબાર કરવામાં આવ્યો હતો. દરમિયાન વિદેશ મંત્રી મોહમ્મદ જવાદ શરીફે ઇઝરાયલ પર તૂટી પડતાં જણાવ્યું હતું કે, આતંકવાદીઓએ એક મહાન વૈજ્ઞાનિકનો ભોગ લીધો છે. આ કાયર કૃત્ય હતાશ લોકોની માનસિકતા દર્શાવે છે. જો કે સામે ઇઝરાયલે આ અંગે કોઇ ટિપ્પણી કરી નથી.
આ વૈજ્ઞાનિકની હત્યા એવા સમયે થઇ છે કે જ્યારે અમેરિકી રાષ્ટ્રપતિ ઇરાનના પરમાણુ કેન્દ્રો પર હુમલો કરશે તેવા અહેવાલ આવ્યા હતા. બાઈડેન સત્તા સંભાળે તે પહેલા ટ્રમ્પ આવો ખેલ પાડવા માગે છે. બાઈડન ઇરાન સાથે પરમાણુ સંધીમાં જોડાવાની ઇચ્છા ધરાવે છે જે સમજૂતિ ટ્રમ્પે 2018માં ફગાવી દીધી હતી. થોડા દિવસ પહેલા જ ઇઝરાયલના વડાપ્રધાન, અમેરિકાના વિદેશ મંત્રી અને સાઉદી અરબના રાજકુમાર વચ્ચે એક ગુપ્ત મીટીંગ થઇ હતી.એવું જણાવામાં આવે છે કે આ વૈજ્ઞાનિકે ઇરાકના કહેવાતા પરમાણુ હથિયાર ઉમાદ (હોપ) કાર્યક્રમની આગેવાની કરી હતી. અબ્સાર્ડ શહેરમાં જ્યાં આ હત્યા થઇ એ સ્થળ તહેરાનથી 50 માઈલ દૂર છે. જોરદાર ધડાકો થયા બાદ હુમલાખોરોએ તેમની કાર ગોળીઓથી ફૂંકી મારી હતી. આ હુમલામાં અન્ય ત્રણથી ચાર લોકો પણ માર્યા ગયાની વિગતો બહાર આવી છે.
વૈજ્ઞાનિક 1989થી અમેરિકા અને ઇઝરાયલની જાસુસી સંસ્થાના ટારગેટ હતા. 2013માં તેમનો પરમાણુ બોંબ કાર્યક્રમ રોકી દેવામાં આવ્યો હતો. બાદમાં તેઓ અન્ય કાર્યક્રમ તરફ ધ્યાન આપતા હતા. ઇરાનના સર્વોચ્ચ નેતા અય્યાતુલ્લા અલી ખમનેઇના સૈન્ય સલાહકારે એવું કહ્યું હતું કે આ હત્યાકાંડનો બદલો લેવામાં આવશે. ટ્રમ્પ છેલ્લા દિવસોમાં ઇઝરાયલ અને ઇરાન વચ્ચે યુધ્ધ ભડકાવાના પ્રયાસ કરે છે. બીજી તરફ ન્યૂયોર્ક ટાઈમ્સે કહ્યું છે કે આ હત્યા પાછળ ઇઝરાયલનો હાથ છે. અમેરિકા પાસે કેટલી માહિતી હતી તે માલુમ નથી પણ ઇઝરાયલની જાસુસી એજન્સી મોસાદે અગાઉ 2010 અને 2012માં પણ ચાર ઇરાની પરમાણુ વૈજ્ઞાનિકોની હત્યા કરેલી છે.