મોદીની વેક્સિન યાત્રા: અમદાવાદના પ્લાન્ટમાં વૈજ્ઞાનિકો સાથે ચર્ચા

28 November 2020 12:15 PM
Ahmedabad Gujarat
  • મોદીની વેક્સિન યાત્રા: અમદાવાદના પ્લાન્ટમાં વૈજ્ઞાનિકો સાથે ચર્ચા

દેશના ત્રણ મોટા શહેરોની મુલાકાતે વડાપ્રધાન: અંતિમ તૈયારીઓનું કર્યું નિરીક્ષણ:ઝાયડસ બાયોટેક પાર્કમાં મીટીંગ: મોટી આશાનું કિરણ: પૂના જવા રવાના થયા: સાંજે હૈદરાબાદની મુલાકાતે

અમદાવાદ તા.28
કોરોના મહામારીને નાથવા ભારતમાં ત્રણ શહેરો પુના, અમદાવાદ, હૈદરાબાદમાં તૈયાર થઈ રહેલી કોરોના વેકસીનના પ્લાન્ટની આજે વડાપ્રધાન મોદીએ શરુ કરેલી મુલાકાત યાત્રા દરમિયાન આજે સવારે 9.30 વાગ્યે મોદી અમદાવાદમાં ચાંગોદર ખાતે ઝાયડસ કેડીલાના ઝાયડસ બાયોટેક પાર્કમાં આવી પહોંચ્યા હતા અને વેકસીનની વિગત મેળવી વૈજ્ઞાનિકો સાથે વેકસીન અંગેની સમીક્ષા કરી હતી.આ અંગે વધુમાં જાણવા મળતી વિગત મુજબ દેશમાં કોરોના વેકસીન જયાં તૈયાર થઈ રહી છે તેવા દેશના અમદાવાદ, હૈદ્રાબાદ અને પુનાના પ્લાન્ટની યાત્રાનો વડાપ્રધાન મોદીએ પ્રારંભ કર્યો છે, જેના અનુસંધાને વડાપ્રધાન મોદી આજે સવારે અમદાવાદ ખાતે આવી પહોંચ્યા હતા. આ તકે ઝાયડસ કેડીલાના ચેરમેન પંકજ પટેલ પ્લાન્ટ પર પહોંચી ગયા હતા.


અમદાવાદ એરપોર્ટ પર આગમન બાદ વડાપ્રધાન મોદી હેલીકોપ્ટર મારફતે ચાંગોદર પહોંચ્યા હતા. ચાંગોદરમાં પહોંચીને વડાપ્રધાને ઝાયડસ બાયોટેક પાર્કમાં બની રહેલી કોરોના વેકસીન ઝાયકોવ-ડીનું નિરીક્ષણ કરી વૈજ્ઞાનિકો સાથે વેકસીન અંગે માહિતી મેળવીને ચર્ચા-સમીક્ષા કરી હતી.ઉલ્લેખનીય છે કે આ પ્લાન્ટમાં વેકસીનની ટ્રાયલના તમામ તબકકા પૂર્ણ થઈ ગયા બાદ અહીં યુદ્ધના ધોરણે કોરોનાની રસીને ઉત્પાદન કરવામાં આવશે. હાલમાં સોલા સિવિલ હોસ્પિટલમાં વેકસીનની ટ્રાયલ ચાલી રહી છે, જેમાં વોલિયન્ટર્સ ટ્રાયલ માટે આવી રહ્યા છે.


અમદાવાદ ખાતે ઝાયડસ કેડીલાના વેકસીન રિસર્ચ પ્લાન્ટની મુલાકાત બાદ વડાપ્રધાન મોદી પુના ખાતેના વેકસીન પ્લાન્ટની મુલાકાતે જવા રવાના થયા. અહીં તેઓ બપોરે દોઢ વાગ્યે પહોંચે તેવી સંભાવના છે અને પુનાથી તેઓ હૈદ્રાબાદ ખાતેના વેકસીન પ્લાન્ટની મુલાકાત લેશે, જયાં તેઓ સાંજે 4.30 વાગ્યે પહોંચી શકે છે. અહીં તેઓ વેકસીનના પ્રોગ્રામની સમીક્ષા કરશે.વડાપ્રધાન મોદીની અમદાવાદ ખાતે ઝાયડસ કેડિલાના વેક્સિન પાર્ક ખાતે મુલાકાત દરમિયાન આખો વિસ્તાર પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયો હતો. જ્યાંથી બાય રોડ તેઓ પ્લાન્ટ પર જવાના હતા તે કેડિલા જવા માટેનો રસ્તો સામાન્ય લોકો માટે બંધ કરી દેવાયો હતો. તમામ રસ્તા પર પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. અમદાવાદની મુલાકાત બાદ બપોરે 12.30 વાગ્યે વડાપ્રધાન મોદી પૂણેના વેક્સિન પ્લાન્ટ તરફ જવા રવાના થશે. અહીં તેઓ એક કલાક સુધી રહેશે અને તમામ માહિતી વેક્સિન અંગે મેળવશે ત્યાર બાદ હૈદરાબાદ જવા રવાના થશે.


Related News

Loading...
Advertisement