ભારતને ‘કટ ટુ સાઈઝ’ કરતું ઓસ્ટ્રેલિયા: 66 રને શાનદાર જીત

28 November 2020 12:13 PM
Sports
  • ભારતને ‘કટ ટુ સાઈઝ’ કરતું ઓસ્ટ્રેલિયા: 66 રને શાનદાર જીત

ફિન્ચ-સ્મિથ-મેક્સવેલની સટાસટી બાદ, ઝેમ્પા-હેઝલવૂડની ધારદાર બોલિંગ: ધવન સિવાયનો ટોપ ઓર્ડર સદંતર નિષ્ફળ જતાં કોહલીસેનાનો પરાજય : હાર્દિક પંડ્યાએ 90 રનની લડાયક ઈનિંગ રમી ફોર્મ પૂરવાર કર્યું: કોહલીનું લચર પ્રદર્શન યથાવત : ધવને સ્મિથનો, ચહલે ફિન્ચનો અને અય્યરે મેક્વેલનો કેચ મુક્યો જે ટીમની હાર માટે જવાબદાર: બોલરોનો રકાસ પણ ચિંતાજનક

સિડની, તા.28
ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે સિડની ગ્રાઉન્ડ ઉપર રમાયેલા વન-ડે મુકાબલામાં ઓસ્ટ્રેલિયાનો 66 રનથી શાનદાર વિજય થયો હતો.

ઓસ્ટ્રેલિયાના કેપ્ટન આરોન ફિન્ચ અને સ્ટિવ સ્મિથની સદી બાદ એડમ ઝેમ્પા અને જોશ હેઝલવુડે શાનદાર બોલિંગ કરી આખા મેચમાં ભારતને દબાણમાં રાખ્યું હતું. કોરોના મહામારી વચ્ચે દર્શકોની સ્ટેડિયમમાં વાપસીવાળા આ મેચમાં ઓસ્ટ્રેલિયાએ પ્રથમ બેટિંગ કરતાં સપાટ પીચ ઉપર છ વિકેટે 374 રન બનાવ્યા હતા. જવાબમાં ભારતીય ટીમ 50 ઓવરમાં 8 વિકેટે 308 રન જ બનાવી શકી હતી.

આ મેચમાં ભારતીય બોલરો ખાસ્સું પ્રદર્શન કરી શક્યા નહોતા જેના કારણે ઓસ્ટ્રેલિયાએ 6 વિકેટે 374 રનનો વિશાળ સ્કોર ખડક્યો હતો. ભારત માટે મોહમ્મદ શામી જ થોડો કારગત સાબિત થયો હતો જેણે 59 રન આપીને 3 વિકેટ ખેડવી હતી. શમી ઉપરાંત જસપ્રીત બુમરાહ, નવદીપ સૈની અને સ્પિનર યુઝવેન્દ્ર ચહલે 1-1 વિકેટ મેળવી હતી પરંતુ ત્રણેય અત્યંત મોંઘા સાબિત થયા હતા. બુમરાહે 73, સૈનીએ 83 અને ચહલે 89 રન આપી દીધા હતા.

આઈપીએલમાં ખતરનાક દેખાઈ રહેલા ભારતીય ફાસ્ટ બોલરો આ મેચમાં થાકેલા દેખાઈ રહ્યા હતા. ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ મેચ બાદ કહ્યું કે તે પણ નિરાશ છે જે રીતે 25-26 ઓવર બાદ ભારતીય ખેલાડીઓની બોડી લેંગ્વેજ બદલાઈ ગઈ હતી. ભારતીય બોલરોનો સામનો કરવામાં ઓસ્ટ્રેલિયન બેટસમેનોને કોઈ જ તકલીફ પડી નહોતી. ફિન્ચ અને વોર્નરે પ્રથમ વિકેટની ભાગીદારીમાં 156 રન ઉમેરી દીધા હતા જે ભારત માટે મુશ્કેલીરૂપ બન્યા હતા.

આ પછી ફિન્ચ અને સ્મિથે પણ 108 રનની ભાગીદારી બનાવતાં મોટો સ્કોર બનવાની સંભાવના પ્રબળ બની હતી. ઓસ્ટ્રેલિયાએ 50 ઓવરના અંતે 374 રન બનાવી નાખતાં ઘણોખરો મેચ તેની તરફે ચાલ્યો ગયો હતો. દરમિયાન 375 રનના લક્ષ્યાંકને હાંસલ કરવા ઉતરેલી ટીમ ઈન્ડિયાએ તોફાની શરૂઆત કરતાં પાંચ ઓવરમાં જ 50 રન પૂર્ણ કરી લીધા હતા પરંતુ મયંક અગ્રવાલ, વિરાટ કોહલી અને લોકેશ રાહુલ જેવા સ્ટાર બેટસમેન નિષ્ફળ રહ્યા હતા. મયંકે 22, વિરાટે 21 અને રાહુલે 12 રન જ બનાવ્યા હતા.

આમ તો ફિલ્ડિંગ બન્ને ટીમની ખરાબ રહી પરંતુ ભારતીય ખેલાડીઓને તેનું વધુ નુકસાન ઉઠાવવું પડ્યું હતું. શિખર ધવે સ્ટિવ સ્મિથનો કેચ છોડી દીધો તો યુઝવેન્દ્ર ચહલે આરોન ફિન્ચનો કેસ છોડી દીધો. આ ઉપરાંત અય્યરે પણ ગ્લેન મેક્સવેલનો કેચ મુકી દેતાં ટીમને મોટું નુકસાન ઉઠાવવું પડ્યું હતું. ભારત વતી ઓપનર શિખર ધવન અને હાર્દિક પંડ્યાએ સદીની ભાગીદારી કરી અને એક સમયે લાગી રહ્યું હતું કે આ બન્ને ભારતને જીત સુધી પહોંચાડી દેશે.

આવા સમયે એડ ઝેમ્પાએ પોતાના બીજા સ્પેલમાં ધવનને પેવેલિયન પરત મોકલી આશા ઉપર પાણી ફેરવી દીધું હતું. પંડ્યા પણ દુર્ભાગ્યશાળી રહ્યો હોય તેવી રીતે સદી પૂર્ણ ન કરી શકતાં ઝેમ્પાનો શિકાર બન્યો હતો. તેણે 76 બોલમાં 90 રન બનાવ્યા હતા પરંતુ તેના રન ટીમને કામ લાગ્યા નહોતા.


Related News

Loading...
Advertisement