નવીદિલ્હી, તા.28
ટીમ ઈન્ડિયાના સ્ટાર ઓપનર રોહિત શર્માને ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે ટીમમાં પસંદ નહીં કરાયા બાદથી જ સંવાદની કમી જેવી ચર્ચાએ જોર પકડી લીધું છે. એવું પણ કહેવાઈ રહ્યું છે કે રોહિત શર્મા અને ટીમ મેનેજમેન્ટ વચ્ચે બધું ઠીક ચાલી રહ્યું નથી. દરમિયાન ભારતીય પેસર આશિષ નેહરાએ આ વસ્તુને અત્યંત દુ:ખદ ગણાવી છે.
નેહરાએ કહ્યું કે ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી અને રોહિત શર્માએ આઈપીએલ સમયે એક વખત વાત કરી લેવી જોઈતી હતી જેથી મતભેદ ઉભા ન થાય. તમામ લોકોની જેમ હું પણ નિરાશ છું. મને પણ ખબર નથી પડી રહી કે આખરે ચાલી શું રહ્યું છે !
નેહરાએ કહ્યું કે તમે વિરાટ અને રોહિત જેવા દિગ્ગજ ખેલાડીઓ વિશે ચર્ચા કરી રહ્યા હોય ત્યારે આવી વાત આવે તે દુ:ખદ જ હોય છે. આવું ન થવું જોઈએ. તમારી પાસે ટેકનીક ઉપલબ્ધ છે તેથી સંબંધિત વ્યક્તિને આ મામલે યોગ્ય જાણકારી આપવી જોઈએ. 41 વર્ષીય નેહરાએ આગળ કહ્યું કે આટલા મહત્ત્વના પ્રવાસે મામલો હાથમાંથી બહાર જઈ રહેલો દેખાઈ રહ્યો હોવાથી તે પણ નિરાશ થઈ ગયા છે. અત્યારે ટેકનીકના તમામ સંશોધનો ઉપલબ્ધ હોવાથી પસંદગીકારો, ટીમ ઈન્ડિયાના હેડ કોચ રવિ શાસ્ત્રી, કેપ્ટન વિરાટ કોહલીએ રોહિત શર્મા સાથે આઈપીએલ સમયે એક વખત વાત કરી લેવી જોઈતી હતી.
જ્યારથી ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે ભારતીય ટીમની પસંદગી થઈ છે ત્યારથી ઓપનર અને સીમિત ઓવરના વાઈસ કેપ્ટન રોહિત શર્મા ચર્ચાનો વિષય બની ગયો છે. રોહિતને ઈજાગ્રસ્ત ગણાવવામાં આવ્યો હતો પરંતુ તે આઈપીએલમાં ટીમની કેપ્ટનશીપ કરતો જોવા મળ્યો હતો. દરમિયાન ટીમ મેનેજમેન્ટને રોહિતની ઈજા અને તેની ઉપલબ્ધતાને લઈને અલગ અલગ પ્રકારની વાતો કર્યે રાખી હતી. વિરાટની વાતે એ સમયે તમામ લોકોનું ધ્યાન ખેંચ્યું જ્યારે તેણે કહ્યું કે ટીમમાં કોઈને ખબર નથી કે આઈપીએલ ફાઈનલ રમ્યા બાદ રોહિત ઓસ્ટ્રેલિયા કેમ નથી આવ્યો ! ત્યારબાદથી જ ક્રિકેટ બોર્ડ અને ટીમ મેનેજમેન્ટ ઉપર સવાલો ઉઠવાનું શરૂ થઈ ગયું છે.