રોમાંચક ટી-20 મુકાબલામાં આફ્રિકા સામે ઈંગ્લેન્ડ પાંચ વિકેટે વિજયી

28 November 2020 12:04 PM
Sports
  • રોમાંચક ટી-20 મુકાબલામાં આફ્રિકા સામે ઈંગ્લેન્ડ પાંચ વિકેટે વિજયી

બેરિસ્ટોએ અણનમ 86 રન ફટકાર્યા: હેન્ડ્રીક્સે એક જ ઓવરમાં 28 રન આપી દેતાં ઈંગ્લીશ ટીમની જીત બની નિશ્ર્ચિત

નવીદિલ્હી, તા.28
કેપટાઉનના ન્યુલેન્ડસ મેદાન ઉપર ઈંગ્લેન્ડે સાઉથ આફ્રિકાને પ્રથમ ટી-20 મેચમાં હરાવ્યું હતું. સાઉથ આફ્રિકાએ પ્રથમ બેટિંગ કરતાં 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવી 179 રન બનાવ્યા હતા.

સાઉથ આફ્રિકા માટે ડુપ્લેસીએ સૌથી વધુ 58 રન બનાવ્યા હતા. આ ઉપરાંત વૈન ડર દુસાંએ 37 રનની ઈનિંગ રમી હતી. જવાબમાં ઈંગ્લેન્ડની મજબૂત બેટિંગ લાઈને લક્ષ્યાંકને 19.2 ઓવરમાં પાંચ વિકેટ ગુમાવીને હાંસલ કરી લીધો હતો. ઈંગ્લેન્ડ વતી જોની બેરિસ્ટોએ શાનદાર 86 રન બનાવ્યા હતા તો સ્ટોક્સે પણ 37 રનનું મહત્ત્વનું યોગદાન આપ્યું હતું.

ઈંગ્લેન્ડની શરૂઆત સારી રહી નહોતી. ઓપનર જેસન રોય પહેલી જ ઓવરમાં ડાબોડી સ્પીનર લીન્ડેનો શિકાર બન્યો હતો. આ પછી જોશ બટલર પણ 7 રન બનાવી પેવેલિયન પરત ફર્યો હતો. ત્યારબાદ બેરિસ્ટો અને મલાને ઈંગ્લેન્ડની ઈનિંગ સંભાળવાની કોશિશ કરી હતી પરંતુ આ ભાગીદારીને છઠ્ઠી ઓવરમાં લિન્ડેએ તોડી નાખતાં મલાનને 19 રને આઉટ કર્યો હતો.

પાવરપ્લેમાં ત્રણ વિકેટ ગુમાવીને ઈંગ્લેન્ડની ટીમ મુશ્કેલીમાં હતી પરંતુ ત્યારપછી જોની બેરિસ્ટો અને ઓલરાઉન્ડર બેન સ્ટોક્સે તોફશની ભાગીદારી કરી સાઉથ આફ્રિકાને પાછળ ધકેલી દીધઉં હતું. બેરિસ્ટો અને સ્ટોક્સે ચોથી વિકેટ માટે 85 રનની જબરદસ્ત ભાગીદારી નોંધાવી હતી. બન્નેએ 50 રન માત્ર 31 બોલમાં જ બનાવી લઈ 12.2 ઓવરમાં ઈંગ્લેન્ડને 100 રનને પાર પહોંચાડ્યું હતું. ઈંગ્લેન્ડની આ ભાગીદારીને 15મી ઓવરમાં તબરેજ શમ્સીએ તોડી હતી.

સ્ટોક્સ અત્યંત ખરાબ બોલ ઉપર 37 રન બનાવીને આઉટ થયો હતો. સ્ટોક્સના આઉટ થયા બાદ સાઉથ આફ્રિકાએ ઈંગ્લેન્ડ ઉપર દબાણ બનાવવાની કોશિશ કરી હતી પરંતુ બેરિસ્ટો અને કેપ્ટન ઓઈન મોર્ગનની જોડીએ આવું થવા દીધું નહોતું. બેરિસ્ટોએ 30 બોલમાં ફિફટી પૂર્ણ કરી લીધી હતી અને પછી 17મી ઓવરમાં હેન્ડ્રીક્સની ઓવરમાં આ બન્ને બેટસમેનોએ 28 રન બનાવીને ઈંગ્લેન્ડની જીતને નિશ્ર્ચિત બનાવી દીધી હતી.

અંતિમ ઓવરમાં ઈંગ્લેન્ડને 7 રનની જરૂર હતી પરંતુ બેરિસ્ટોએ પ્રથમ બે બોલમાં ચોગ્ગો અને છગ્ગો લગાવીને ટીમને જીત અપાવી દીધી હતી. આ પહેલાં મહેમાન ટીમ ઈંગ્લેન્ડે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ પસંદ કરી હતી. સાઉથ આફ્રિકાની શરૂઆત સારી રહી નહોતું. તેણે પહેલી ઓવરમાં ટેમ્બા બાવુમાની વિકેટ ગુમાવી હતી. સૈમ કર્રનના બોલ પર બાવુમા પાંચ રન બનાવી આઉટ થયો હતો. ત્યારબાદ ડીકોક અને ડુપ્લેસીએ બાજી સંભાળી હતી.

બન્ને બેટસમેનોએ ઈંગ્લેન્ડના બોલર ઉપર રીતસરનું આક્રમણ શરૂ કરી દીધું હતું અને 6 ઓવરમાં સ્કોરને 57 રન સુધી પહોંચાડી દીધો હતો. એક સમયે જ્યારે આ બન્નેની ભાગીદારી ખતરનાક સાબિત થઈ રહી હતી ત્યારે જોર્ડને ડીકોકને આઉટ કરી જોડીને તોડી નાખી હતી. ત્યારબાદ ડુપ્લેસી 58 રને, વૈન ડેર ડુસાંએ 37, ક્લાસેને 20 રન બનાવ્યા હતા.


Related News

Loading...
Advertisement