હું ભાજપના સ્તર સુધી નીચે ન ઉતરી શકુ ઉધ્ધવ ઠાકરે સરકારે એક વર્ષ પૂરૂ કર્યું

28 November 2020 11:59 AM
India Top News
  • હું ભાજપના સ્તર સુધી નીચે ન ઉતરી શકુ ઉધ્ધવ ઠાકરે સરકારે એક વર્ષ પૂરૂ કર્યું

રાજકીય હુમલા સહન કર્યા : વિપક્ષ ભલે સરકાર તોડવાના સપના જોઇ ખુશ રહે

મુંબઈ,તા. 28
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉધ્ધવ ઠાકરેએ મહારાષ્ટ્ર વિકાસ સંગઠન સરકારના પ્રમુખના રુપમાં એક વર્ષ પૂરું કર્યું છે. ઠાકરે માટે આ વર્ષ બહુ ખાસ રહ્યું ન હતું. તેમણે આ અવસરે એવું નિવેદન આપ્યું હતું કે ભાજપે તેમના પરિવાર પર હુમલો કર્યો છે પરંતુ પોતે તેમના સ્તર સુધી નીચે ઉતરી શકે તેમ નથી. ભાજપ તરફથી રાજકીય હુમલા, કોરોનાની ગંભીર મહામારી, કેન્દ્ર સાથે ખરાબ સંબંધો, અન્ય પરેશાની વચ્ચે ઠાકરેએ પોતાના એક વર્ષના અનુભવો અંગે પત્રકારો સાથે વાતચીત કરી હતી. ઠાકરે સરકાર લાંબુ નહીં ચાલે અને પડી ભાંગશે એવા સવાલના જવાબ પર કહ્યું હતું કે, તેઓને ભવિષ્યવાણી કરવા દો. તેઓ વ્યસ્ત છે અને ખુશ છે. તેમની આ ખુશી મારે બગાડવી નથી. મહામારીના સમયમાં અમે લોકોની ચિંતા કરીએ છીએ. દુનિયાએ 100 વર્ષ બાદ આવી સ્થિતિનો સામનો કર્યો છે. અગાઉની કોઇ સરકારે આવા સંજોગો જોયા નથી.


કેન્દ્ર અને મહારાષ્ટ્રના સંબંધો અંગે તેઓએ કહ્યું કે સરકાર ચલાવતા પક્ષોના વિચાર મહત્વના છે. પરંતુ કેન્દ્ર તથા રાજ્યમાં તટસ્થરુપે કામ થવું જોઇએ. સપ્ટેમ્બરમાં કેન્દ્રએ પીપીઈ કીટ અને એન-95 માસ્ક જેવી ચીજનો પુરવઠો રોકી દીધો હતો. જેનાથી રાજ્ય ઉપર 300 કરોડનો બોજ આવ્યો છે. લગભગ 38 હજાર કરોડના બાકી જીએસટી સહિતના ટેક્સ પણ કેન્દ્ર પાસે પડ્યા છે. નિસર્ગ વાવાઝોડું, પૂર અને સતત વરસાદ જેવી સ્થિતિ સામે પણ સરકાર લડી છે.


કોરોના વેકિસન અંગે તેમણે કહ્યું હતું કે અમારે એક યોજનાની જરુર છે. કારણ કે રસી બનાવવાવાળી પાંચ કંપની છે. તેના ટેમ્પરેચર, ડોઝ સહિતની બાબતો પર હજુ સ્પષ્ટતા થઈ નથી. પોતાની સરકારની સિધ્ધિ અંગે ઉધ્ધવ ઠાકરેએ કહ્યું કે રાયગઢ જિલ્લાના વિકાસ પર તેઓ આગળ વધ્યા છે. મોટુ ભંડોળ ઉભુ કર્યું હતું. બે લાખ કરોડની કૃષિ લોન માફ કરી છે.તમામ વચનો પાળ્યા છે. અમે ખેડૂતોની આવક ડબલ કે ત્રણ ગણી કરવાની વાતો નથી કરતા કે અચ્છે દિનની વાત પણ કરતાં નથી. શું તમે ભાજપ અને મોદી સામે ઉભા છો ? તેવા સવાલના જવાબમાં ઠાકરેએ કહ્યું હતું કે મારો આવો કોઇ ઇરાદો નથી. હું દરેક મુદ્દા પર સ્પષ્ટ વાત જરુર કરું છું, મેં ક્યારેય વ્યક્તિગત હુમલા કર્યા નથી. બદઇરાદે કઇ બોલતો નથી, મારા પરિવાર ઉપર રાજકીય દ્વેષથી હુમલા થતા રહ્યા છે. અમે તેમની સાથે હતા ત્યારે સારા હતા. તેમના માટે પ્રચાર કરતા હતા જેનાથી જ ભાજપને મત મળતા હતા. હવે ભાજપની રાજકીય વિકૃતિ દેખાવા લાગી છે.


Related News

Loading...
Advertisement