બેટ દ્વારકામાં ડિઝલની હેરાફેરી કરવાના ગુનામાં જહાજના પાંચ કર્મચારીની સંડોવણ

28 November 2020 11:44 AM
Jamnagar Crime
  • બેટ દ્વારકામાં ડિઝલની હેરાફેરી કરવાના ગુનામાં જહાજના પાંચ કર્મચારીની સંડોવણ

વહાણવટી-બોટ માલિક સામે ગુનો નોંધી તપાસ આદરતી પોલીસ

જામખંભાળીયા તા.28
ઓખા મંડળના બેટ દ્વારકા પાસે ગત તારીખ 21 મી ના રોજ જુદાજુદા ત્રણ વહાણમાં રાખવામાં આવેલા 3200 લિટર ગેરકાયદેસર ડીઝલનો જથ્થો મળી, ત્રણ બોટ સહિત કુલ રૂ. 24.40 લાખનો મુદ્દામાલ ડીવાયએસપી સ્ટાફ તથા એલસીબી પોલીસે ઝડપી લઇ પાંચ શખ્સો સામે ગુનો નોંધ્યો હતો. આ પ્રકરણમાં જામનગર ખાતે રહેતા એક વહાણવટી એવા બોટ માલિક દ્વારા કુલ પાંચ શખ્સો સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે.આ અંગે જામનગરના ગુરુદ્વાર ચોકડી પાસે રહેતા ઈમદાદભાઈ અજીજભાઈ મેપાણી નામના 41 વર્ષિય વહાણવટી મુસ્લીમ વાઘેર યુવાન દ્વારા જામનગર તાલુકાના સિક્કા ખાતે રહેતા હારુન ઇશા મેપાણી સહિત કુલ પાંચ શખ્સો સામે ઓખા મરીન પોલીસ મથકમાં ધોરણસર ફરિયાદ નોંધાવવામાં આવી છે.


પોલીસ દફતરે ફરિયાદમાં જાહેર થયેલી વિગત મુજબ ફરિયાદી ઈમદાદભાઈના વહાણમાં નાખવા તરીકેની નોકરી કરતા આરોપી શખ્સો દ્વારા કંપનીની સોંપવામાં આવેલી જવાબદારી યોગ્ય રીતે નહીં નિભાવી અને વહાણમાં રાખવામાં આવેલા ડીઝલનો જથ્થો ફરિયાદીની ગેરહાજરીમાં ફરિયાદી સાથે વિશ્વાસઘાત કરી અને બોટ (વહાણ)માં રહેલા રૂપિયા બે લાખ ચાલીસ હજારની કિંમતના 16 નંગ બેરલમાં રાખવામાં આવેલા 3,200 લીટર કાયદેસરના ડીઝલના જથ્થાનું અન્ય આરોપીઓ સાથે મળી અને ગેરકાયદેસર નીચે વેચાણ તથા સંગ્રહ કરીને લાયસન્સ વગર સસ્તા ભાવે વેચીને આવશ્યક ચીજવસ્તુ ધારાના નિયમનું ઉલ્લંઘન કરવામાં આવ્યું હતું.આમ, આર્થિક લાભ મેળવવા માટે એકબીજાની મદદગારી કરી અને ગુનો આચર્યા સબબ પોલીસમાં ધોરણસરની ફરિયાદ નોંધાવવામાં આવી છે. આ પ્રકરણ અંગે ઓખા મરીન પોલીસે હારુન ઈશા સહિત કુલ પાંચ શખ્સો સામે આઇ.પી.સી. કલમ 408, 511, 114, 34 તથા આવશ્યક ચીજવસ્તુ ધારા અધિનિયમની કલમ મુજબ ગુનો નોંધી અને આગળની તપાસ એલ.સી.બી.ના એ.એસ.આઈ. અજીતભાઈ બારોટ ચલાવી રહ્યા છે.


Related News

Loading...
Advertisement