(વિપુલ હિરાણી)
ભાવનગર તા.27
ભાવનગરમાં ગઈકાલે કોરોનાના 8 કેસ સપાટી પર આવ્યા હતા. ત્યારે આજે કોરોનાએ ઉથલો માર્યો હોય તેમ છેલ્લા 24 કલાકમાં ૨૬ કેસ નોંધાતા ફફડાટ ફેલાયો છે. જિલ્લામાં હવે કુલ કેસોની સંખ્યા ૫,૧૫૩ થઈ છે. જેમાં ભાવનગર શહેરી વિસ્તારમાં ૧૮ પુરૂષ અને ૭ સ્ત્રી મળી કુલ ૨૫ કેસો નોંધાયા છે. જ્યારે તાલુકાઓમાં ભાવનગરના થોરડી ગામ ખાતે ૧ કેસ આવતા તેમને વધુ સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલ છે.
ભાવનગર મહાનગરપાલિકાના ૯ તેમજ તાલુકાઓના ૨ એમ કુલ ૧૧ દર્દી કોરોનામુક્ત થતા તેને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. આ તમામ દર્દીઓએ હોસ્પિટલામાંથી ડિસ્ચાર્જ થયા બાદ ૭ દિવસ સુધી ફરજીયાત હોમ આઈસોલેશનમાં રહેવાનું રહેશે. આમ, જિલ્લામાં નોંધાયેલા ૫,૧૫૩ કેસ પૈકી હાલ ૭૦ દર્દીઓ સારવાર હેઠળ છે. જ્યારે અત્યાર સુધીમાં કુલ ૫,૦૦૭ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે તેમજ ૬૯ દર્દીઓનું મોત થઈ ચૂક્યું છે.