ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચેના ચાલુ મેચે અદાણીનો વિરોધ

27 November 2020 06:36 PM
Sports
  • ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચેના ચાલુ મેચે અદાણીનો વિરોધ

ઓસ્ટ્રેલિયામાં અદાણી કોલ ગ્રુપના પ્રોજેક્ટનો વિરોધ હવે ક્રિકેટના મેદાનમાં પહોંચ્યો: એસબીઆઈ અદાણીને 7389 કરોડની લોન ન આપે તેવી માંગણી

નવીદિલ્હી, તા.27
ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે આજથી ત્રણ વન-ડે મેચની શ્રેણી પૈકીનો પ્રથમ વન-ડે સિડનીના ક્રિકેટ ગ્રાઉન્ડ ઉપર રમાઈ રહ્યો છે. ક્રિકેટરસિકો છેલ્લા આઠ મહિનાથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટની રાહ જોઈ રહ્યા હતા જેનો આજે અંત આવ્યો છે અને બે બળુકી ટીમ વચ્ચે રોમાંચક જંગ જામી ગયો છે. જો કે આ બધાની વચ્ચે એક યુવક ચાલું મેચે અદાણીનો વિરોધ કરવા પહોંચી જતાં સોની ટીવીએ મેચનું પ્રસારણ અટકાવવું પડ્યું હતું. ઓસ્ટ્રેલિયામાં છેલ્લા ઘણા વર્ષોથી અદાણી કોલ પ્રોજેક્ટના વિરોધને લઈને વિવાદ ચાલી રહ્યો હતો જે આજે ક્રિકેટના મેદાન સુધી પહોંચી ગયો હતો.

હાથમાં પ્લેકાર્ડ લઈને આવેલા એક યુવકે તેની પાસે રહેલા કાર્ડમાં લખ્યું હતું કે સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાએ અદાણીને ઓસ્ટ્રેલિયામાં કોલ બ્લોક પ્રોજેક્ટ સાકાર કરવા માટે 7389 કરોડની લોન આપવી જોઈએ નહીં. અદાણીએ કરેલી અરજીનો બેન્ક અસ્વીકાર કરે તે જરૂરી છે. દરમિયાન ભારત-ઓસ્ટ્રેલિયા વન-ડે શ્રેણીનું પ્રસારણ સોની સિક્સ ચેનલ પર થઈ રહ્યું છે. સામાન્ય રીતે આવી કોઈ ઘટના બને ત્યારે લાઈવ પ્રસારણ ચાલું રહે છે પરંતુ જ્યારે આ યુવાન અદાણીનો વિરોધ કરવા માટે મેદાનમાં આવ્યો ત્યારે સોનીએ પ્રસારણ થોડી મિનિટો માટે અટકાવી દઈ જાહેરાતોનું પ્રસારણ શરૂ કરી દીધું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે વર્ષ 2019માં ઓસ્ટ્રેલિયામાં યોજાયેલી ચૂંટણીમાં પણ અદાણીના કોલ પ્રોજેક્ટનો વિરોધ થયો હતો. પર્યાવરણની તરફેણ કરનારાઓ તરફથી વિરોધ થઈ રહ્યો છે. અદાણી ગ્રુપે થોડા વર્ષો પૂર્વે ઓસ્ટ્રેલિયાના ક્વિન્સલેન્ડમાં કોલસાની ખાણ ખરીદી હતી અને કંપની તેમાં અંદાજે 15 અબજ ડોલરનું રોકાણ કરવાની છે. આ ખાણને કારણે પર્યાવરણને નુકસાન જવાની ભીતિએ વિરોધ થઈ રહ્યો છે.


Related News

Loading...
Advertisement