રાજકોટ તા.27
રાજકોટ જિલ્લા સહિત રાજયભરની સરકારી પ્રાથમિક શાળાઓમાં વિદ્યાર્થીઓની સંખ્યા તૂટતા વર્ગો બંધ શાળાઓ ધડાધડ મર્જ કરવામાં આવી છે. જેમાં રાજકોટ જિલ્લાની 102 સરકારી પ્રાથમિક શાળાઓમાં પણ ધો.6 અને 7ના વર્ગો બંધ કરી દેવામાં આવેલ છે.
અહીં એ ઉલ્લેખનીય છે કે વૈશ્ર્વિક મહામારી કોરોના વાયરસની શરૂ રહેલી રફતારના પગલે વિદ્યાર્થીઓને હાલ ઘરે બેઠા ઓનલાઇન શિક્ષણ પુરૂ પાડવામાં આવી રહ્યું છે. સરકારી પ્રાથમિક શાળાઓમાં વિદ્યાર્થીઓની સંખ્યા ઘટવાનો સીલસીલો સતત શરૂ રહેવા પામેલ છે. જેમાં રાજકોટ જિલ્લાની 102 શાળાઓમાં વિદ્યાર્થીઓની સંખ્યાના અભાવે ધો.6 અને 7ના 102 વર્ગો બંધ કરી દેવામાં આવેલ છે. જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી સરડવા દ્વારા શાળાઓ મર્જની આ કામગીરી પણ પૂર્ણ કરી દેવામાં આવી છે.
આ અંગે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી સરડવાનો સંપર્ક કરાતા તેઓએ જણાવ્યું હતું કે જિલ્લાની આ 102 શાળાઓમાં ધો.6 અને 7 વર્ગો બંધ કરાતા 145 શિક્ષકો ફાજલ થયા છે. તેમજ આ 102 શાળાઓમાં ધો.6 અને 7ના વર્ગોમાં જે 1171 વિદ્યાર્થીઓની સંખ્યા હતી. આ વિદ્યાર્થીઓના નજીકની ત્રણ કિ.મી.ના વિસ્તારમાં આવતી અન્ય શાળાઓમાં એડમીશન કરી દેવાયા છે.
પ્રાથમિક શિક્ષણાધિકારી સરડવાએ જણાવ્યું હતું કે 102 શાળાઓના ધો.6 અને 7ના 102 વર્ગો બંધ થવાથી ફાજલ થયેલા 145 જેટલા શિક્ષકોને આગામી માસના પ્રથમ સપ્તાહમાં કેમ્પ યોજી અન્ય શાળાઓ ફાળવી દેવાશે.