રાત્રી કર્ફયુનાં પગલે રાજકોટ એસ.ટી. વિભાગના દિવસનાં ટ્રાફિકમાં 10 ટકાનો વધારો થયો

27 November 2020 06:26 PM
Rajkot
  • રાત્રી કર્ફયુનાં પગલે રાજકોટ એસ.ટી. વિભાગના દિવસનાં ટ્રાફિકમાં 10 ટકાનો વધારો થયો

આજથી નારાયણ સરોવર અને બારડોલી રૂટની બસો પણ શરૂ કરાઈ

રાજકોટ તા.27
રાજકોટ શહેરમાં કોરોનાનું સંક્રમણ વધતા છેલ્લા કેટલાક દિવસોથી રાત્રી કર્ફયુ લાદવામાં આવેલ છે. આ કર્ફયુના પગલે એસ.ટી. વિભાગની રાત્રીની બસ સર્વિસો પણ બંધ કરી દેવામાં આવી છે. આથી છેલ્લા કેટલાક દિવસોથી રાજકોટ એસ.ટી. વિભાગનો દિવસ દરમ્યાનનો ટ્રાફીક વધવા પામ્યો હોવાનું એસ.ટી. વિભાગના સૂત્રોમાંથી જાણવા મળેલ છે.

એસ.ટી. વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ રાજકોટ શહેરમાં રાત્રી કર્ફયુના પગલે દિવસના ટ્રાફીકમાં 10 ટકા જેટલો વધારો થવા પામ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે હાલમાં લગ્નગાળો પણ ચાલી રહ્યો છે. આથી અમુક એવા પ્રસંગો હોય છે કે જયાં ફરજીયાતપણે લોકોએ જવું પડતું હોય છે પરંતુ રાત્રીની બસસર્વિસો બંધ હોય લોકોને મોટાભાગે દિવસની જ બસો પકડવી પડે છે. આથી રાજકોટ એસ.ટી. વિભાગના દિવસના ટ્રાફીકમાં 10 ટકા જેટલો વધારો થવા પામ્યો છે.

દરમ્યાન આજથી રાજકોટ એસ.ટી. વિભાગે વધારાની બે લોંગ રૂટની બસ સર્વિસો શરુ કરી છે. આ અંગેની પ્રાપ્ત વિગતો મુજબ રાજકોટના નવા બસસ્ટેન્ડ ખાતેથી રાત્રે આઠ કલાકે રાજકોટ નારાયણ સરોવર રૂટની એસી સ્લીપર બસ દોડશે જયારે રાત્રે 8.30 કલાકે રાજકોટ-બારડોલી રૂટ પર એસી વોલ્વો સ્લીપર પર દોડાવાશે. આ બંને બસ સર્વિસો આજથી શરુ કરી દેવામાં આવેલ છે.


Related News

Loading...
Advertisement